<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

મહાકુંભને લઈ અમદાવાદથી પ્રયાગરાજનું હવાઈ ભાડુ ૫૦૦૦૦ પહોંચ્‍યું

અમદાવાદથી ઓપરેટ થતી એરલાઇન્‍સ કંપનીઓ દ્વારા લોકોને લૂંટવાનું શરૂ કરી દેવાયું: પ્રયાગરાજ જતી તમામ ટ્રેનો પણ હાઉસફૂલ જોવા મળી રહી છે અને પ્રાઇવેટ વાહનમાં જવા આવવામાં લોકોનો ટાઇમ ઘણો બગડી રહ્યો છે

અમદાવાદ, તા.૨૦: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનો  આરંભ થયો છે. મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. ત્‍યારે ગુજરાતમાંથી બસ-ટ્રેન જેવી ટ્રાન્‍સપોર્ટેશનની સુવિધાઓમાં વધારો કરાયો છે, જો કે બસ-ટ્રેનમાં લોકોના ધસારાના પગલે ઘણાં લોકો વિમાન દ્વારા ત્‍યાં પહોંચવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તકનો લાભ લાભ લઈને અમદાવાદથી ઓપરેટ થતી એરલાઇન્‍સ કંપનીઓ દ્વારા લોકોને લૂંટવાનું શરૂ કરી દેવાયું છે. આ અસામાન્‍ય ભાવ વધારાને કારણે ભક્‍તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તમામ ટ્રેનો પણ હાઉસફૂલઃ આ વધતા ભાડાના કારણે પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચવા માટે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. કારણ કે સામાન્‍ય જનતાને આ ભાડું પોસાય તેમ નથી. તેમ છતા ના છૂટકે મોંઘા ભાડા ભરીને જવું પડી રહ્યું છે. અત્‍યારે પ્રયાગરાજ જતી તમામ ટ્રેનો પણ હાઉસફૂલ જોવા મળી રહી છે અને પ્રાઇવેટ વાહનમાં જવા આવવામાં લોકોનો ટાઇમ ઘણો બગડી રહ્યો છે.

વિમાનનું ભાડુ અધધધ ૫૦ હજારને પાર પહોંચી ગયું. અમદાવાદથી પ્રયાગરાજના વિમાન ભાડાની વાત કરવામાં આવે તો, હાલમાં વિમાનનું ભાડુ અધધધ ૫૦ હજારને પાર પહોંચી ગયું છે. જે સામાન્‍ય દિવસોમાં ૫ થી ૬ હજાર જેટલું હોય છે. મળતી વિગતો મુજબ અનુસાર, એર ઈન્‍ડિયાનું ભાડું ૫૯,૨૩૪, આકાસા એરનું ભાડું ૩૦,૦૬૬, એલાયન્‍સ એરનું ભાડું ૪૮,૩૫૧, ઈન્‍ડિગોનું ભાડું ૪૫,૨૯૪ અને સ્‍પાઈસ જેટનું ભાડું વધીને રૂ. ૪૦,૭૪૭ એ પહોંચ્‍યું છે. આમ મહાકુંભના કારણે વિમાનની ટિકિટના દરમાં સામાન્‍ય દિવસો કરતાં અંદાજે ૭ ગણો વધારો થઈ ગયો છે.

(10:29 AM IST)