<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

નવી મુસદ્દારૂપ જંત્રી સામે વાંધા અરજી કરવાનો છેલ્લો દિવસ

આગામી દિવસોમાં ગુજરાત સરકાર કરશે સમીક્ષા સમગ્ર રાજ્‍યમાંથી જંત્રી સામે અત્‍યાર સુધી ૭૨૦૦થી વધારે વાંધા અરજીઓ કરવામાં આવી છે

અમદાવાદ, તા.૨૦: રાજ્‍ય સરકારની નવી જંત્રી સામે વાંધા અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે. ત્‍યારે મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્‍યમાંથી જંત્રી સામે અત્‍યાર સુધી ૭ હજાર ૨૦૦થી વધારે વાંધા અરજીઓ કરવામાં આવી છે. જેમાંથી કેટલીક અરજીઓ ઓનલાઈન પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત અરજદારોએ કેટલાક વિસ્‍તારોમાં જંત્રીના ભાવ વધારવા માટે પણ અરજી કરી છે. ત્‍યારે આપને જણાવી દઈએ કે જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ હવે આ તમામ અરજીઓની સમીક્ષા કરવામાં આવશે. જેમાં અરજીઓની સમીક્ષા પછી રાજ્‍ય સરકારને રિપોર્ટ આપવામાં આવશે. અને ત્‍યારબાદ જંત્રી દર બાબતે રાજ્‍ય સરકાર પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે. મહત્‍વનું છે કે નવા જંત્રી દર સામે વિરોધ ઉઠતા રાજ્‍ય સરકારે ૨ જાન્‍યુઆરીએ જંત્રી સુધારણા સમિતિની રચના કરી હતી

જંત્રી એટલે શું અને તે કોણ નક્કી કરે છે?

જંત્રી એટલે કે રાજ્‍ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું લૅન્‍ડ વૅલ્‍યૂ સર્ટિફિકેટ. જંત્રી એટલે જમીન કે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા લઘુતમ ભાવ.જો તમારો વેચાણ દસ્‍તાવેજ જંત્રી કરતા વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે પ્રૉપર્ટીના માલિક છો તેવી નોંધણી થશે નહીંતર નહીં થાય. જંત્રીના ભાવથી કોઈપણ પ્રોપર્ટીનો દસ્‍તાવેજ કરતી વખતે તમારે કેટલી સ્‍ટેમ્‍પ ડયુટી અને કેટલો રજિસ્‍ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે. બીજા રાજ્‍યોમાં તેને સર્કલ રેટ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્‍ય સરકાર દ્વારા જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સમીક્ષા કરવામાં આવે છે. અને ત્‍યાર બાદ સર્કલ રેટ એટલે કે જંત્રીના દર નક્કી કરવામાં આવે છે

કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો દર, જાણો ફોર્મ્‍યુલા

- જંત્રીનો દર જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને લોકાલિટીને આધાર બનાવીને નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત જંત્રી દરમાં પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્‍યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે.

- અહીં સૌથી વધારે ધ્‍યાન આપવા જેવી બાબત એ છે કે કોમર્શિયલ પ્રોપર્ટીનો જંત્રી દર વધારો હોય છે, જ્‍યારે રહેણાંક સપંત્તિનો જંત્રી દર વધારે હોય છે.

- ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે પાડોશી મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્‍યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે.

- જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે.

જંત્રીના દરને કયા પરિબળો અસર કરે છે ?

- જમીનના લોકેશન આધારે જંત્રીના દર નક્કી થાય છે અને રાજ્‍યના કોઈ પણ વિસ્‍તારમાં જમીન અથવા મકાનની લઘુત્તમ કિંમત નક્કી કરાય છે. મિલકતના પ્રકારના આધારે જંત્રી નક્કી થાય છે અને મિલકતની આસપાસના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરથી પણ જંત્રી નક્કી થાય છે.

- તેમજ પ્રોપર્ટીની ઉંમર આધારે પણ જંત્રી નક્કી થાય છે. ઔદ્યોગિકની મિલકતની સરખામણીમાં રહેણાંક પ્રોપ્રટીની જંત્રી વધુ હોય છે અને પોશ વિસ્‍તારની મિલકતની જંત્રી ઉંચી હોય છે.

જંત્રીનું મહત્‍વ કેમ?

- જંત્રીનો દર અનેક જગ્‍યાએ ઉપયોગમાં લેવાય છે. બેંક પાસેથી લોને લેવા માટે જંત્રીનો ઉપયોગ થાય છે તેમજ વિઝા માટે અરજી કરવા માટે દસ્‍તાવેજમાં જંત્રી ભૂમિકા ભજવે છે.

- તેમજ જમીન હેતુ માટે લોન માટે પણ જંત્રીનો દર ઉપયોગમાં આવે છે અને ઉધારમાં લીધેલી લોનની ક્રેડિટ મર્યાદા વધારવા પણ જંત્રી ઉપયોગમાં આવે છે. કેપિટલ ગેઈનમાં ટેક્‍સની ગણતરી વખતે જંત્રી ધ્‍યાને લેવાય છે.

મહેસુલ વિભાગની વેબસાઈટ પરથી

મહેસુલ વિભાગની વેબસાઈટ પરથી પણ તમે જંત્રીનો દર જાણી શકો છો. આ માટે સૌથી પહેલા revenuedepartment.gujarat.gov.in. પર જાવ. હવે તમને ગુજરાતનો નકશો દેખાશે, આ નકશામાં તમારે તમારો જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર પસંદ કરવાનો રહેશે. જે બાદ તમને જંત્રીનો દર મળી રહેશે.

(11:29 AM IST)