<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

વલસાડ જીલ્લાના પારડીમાં અનોખી જાન નીકળી:બળદગાડામાં બેસીને વરરાજાની જાન નીકળી : બળદ બચાવવાનો સંદેશ આપવા માટે અનોખી પહેલ

પારડી સ્વાધ્યાય મંડળના સંસ્કૃત વિદ્યાલયના આચાર્યોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે બળદનું પૂજન કર્યું :; વરરાજાના પિતા સંદીપભાઈ દેસાઈ કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 112 ગાય-બળદ અને વાછરડાંનું સંરક્ષણ

વલસાડ તા.૨૦ : વલસાડ જિલ્લાના પારડીમાં એક અનોખી જાન નીકળી હતી, જેમાં વરરાજાને બળદગાડામાં બેસાડીને લઈ જવામાં આવ્યાં હતા. આ અનોખી પહેલ ઉંમરસાડી દેસાઈવાડના સંદીપભાઈ દેસાઈના પુત્ર વિવેકના લગ્ન પ્રસંગે કરવામાં આવી હતી.

પારડી સ્વાધ્યાય મંડળના સંસ્કૃત વિદ્યાલયના આચાર્યોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે બળદનું પૂજન કર્યું હતું. જાન પરિયા હાઈ સ્કૂલથી આધાર ટ્રસ્ટ પરીયા હોલ સુધી નીકળી હતી. વરરાજાના પિતા સંદીપભાઈ દેસાઈ કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 112 ગાય-બળદ અને વાછરડાંનું સંરક્ષણ કરે છે.

         સંદીપભાઈએ જણાવ્યું કે, આજના સમયમાં બળદોની ઉપેક્ષા થઈ રહી છે. ખેતીમાં પણ તેમનો ઉપયોગ ઘટ્યો છે, જેના કારણે મોટાભાગના બળદો કતલખાને પહોંચી જાય છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ બળદ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે.

આચાર્ય પરેશભાઈ જાની અને જ્યોતિષ આચાર્ય રાકેશભાઈ જોશીએ વિશાળકાય બળદની જોડીનું વિધિવત પૂજન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, બળદને ઋષભ કહેવાય છે, જે ધર્મનું પ્રતીક છે. પ્રાચીન સમયમાં માત્ર વાહનની અગવડના કારણે જ નહીં, પરંતુ આધ્યાત્મિક મહત્વને કારણે પણ બળદગાડાનો ઉપયોગ થતો હતો. ધર્મના ચાર સ્તંભ - સત્ય, દયા, અહિંસા અને તપનું પ્રતીક એટલે બળદ.

     

(2:24 PM IST)