<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

૭૦થી વધુ નગરપાલિકાઓમાં ૧૬ ફેબ્રુઆરીએ ચૂંટણીઃ એક-બે દિ'માં જાહેરાત

રાજકોટ જિલ્લાના ભાયાવદર, ધોરાજી, ઉપલેટા અને જસદણ નગરમાં ચૂંટણીઃ જુનાગઢ મહાનગરની સામાન્‍ય ચૂંટણીઃ ચાલુ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઉમેદવારી સ્‍વીકારાશેઃ તાલુકા-જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની પેટાચૂંટણી પણ થશે

રાજકોટ તા. ર૦ :.. રાજયની ૭૦ થી ૭પ જેટલી નગરપાલિકાઓની સામાન્‍ય ચૂંટણી તા. ૧૬ ફેબ્રુઆરીએ યોજવાનું નકકી થયાનું અને એક-બે દિવસમાં જ તેની સત્તાવાર જાહેરાત થઇ જનાર હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળેલ છે. રાજય ચૂંટણી પંચે સ્‍થાનિક ચૂંટણીઓ યોજવાની પૂર્વ તૈયારીને આખરી ઓપ આપ્‍યો છે. ૧૮ ફેબ્રુઆરી આસપાસ પરિણામ જાહેર થશે. ર૦ ફેબ્રુઆરી આસપાસથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે.

૭૦ થી વધુ સુધરાઇઓની ચૂંટણી સાથે  જુનાગઢ મ્‍યુ. કોર્પોરેશનની સામાન્‍ય ચૂંટણી તેમજ અન્‍ય નગરો, મહાનગરો અને તાલુકા - જિલ્લા પંચાયતોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી તા. ૧૬ ફેબ્રુઆરીએ યોજાશે. ૧૬ ફેબ્રુઆરીએ રવિવારે ચૂંટણી યોજવાનું નકકી થયુ છે. છેલ્લી ઘડીના કોઇ ફેરફાર થાય તો તેની નજીકના જ કોઇ દિવસે  ચૂંટણી યોજાશે. ચૂંટણી એક-બે દિવસમાં જાહેર થતાની સાથે જ ચૂંટણીવાળા વિસ્‍તારમાં આચારસંહિતા લાગુ પડી જશે.

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા ત્‍યાંની નગરપાલીકાઓની ચુંટણી હાલ નહી થાય તેમજ જયાં ચુંટણી થવા પાત્ર હતી પણ નગરપાલિકામાંથી કોર્પોરેશનનો દરજજો મળ્‍યો તેવા નગરમાં ચુંટણી નહી થાય. નવી ૯ કોર્પોરેશનની ચુંટણી કયારે થાય તે નકકી નથી.

જાન્‍યુઆરીના છેલ્લા અઠવાડિયામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે ફેબ્રુઆરી શરૂઆતથી નગરોમાં ચુંટણી પ્રચારનો માહોલ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં જસદણ, ભાવનગર, ધોરાજી અને ઉપલેટામાં ચુંટાયેલી પાંખની મુદત પુરી થઇ ગઇ હોવાથી નગરપાલિકાની ચુંટણી થશે.

(2:57 PM IST)