<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

‘ચલ આપઘાત કરી લઈએ' તેમ કહી યુવાન ત્રીજા માળે લઈ ગયો, કિશોરી કૂદી ગઈ અને પ્રેમી ફરાર

કિશોરીના પરિવારે આ યુવક વિરૂદ્ધ આપઘાતની દુષ્‍પ્રેરણા સાથે બળાત્‍કારનો ગુનો દાખલ કરાવ્‍યો

સુરત, તા.૨૧: અમરોલી વિસ્‍તારમાં રહેતી સગીરાને આજથી સાત મહિના પહેલા વરાછા વિસ્‍તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્નની લાલચ આપી કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્‍યા હતા. જોકે યુવકની સગાઈની વાત છોકરીને ખબર પડતા યુવક સગીરા પાસે પહોંચ્‍યો હતો. જે બાદ બંને આપઘાત કરી લઈએ તેમ કહીને મકાનના ત્રીજા માળે લઈ ગયો હતો. જ્‍યાં કિશોરી આપઘાત માટે કૂદી પડી હતી પણ યુવક ત્‍યાંથી ભાગી છૂટયો હતો. ગંભીર અવસ્‍થામાં કિશોરીને હોસ્‍પિટલ ખસેડતા સારવાર દરમિયાન તે ગર્ભવતી હોવાનું સામે આવ્‍યું હતુ. કિશોરીના પરિવારે આ યુવક વિરુદ્ધ આપઘાતની દુષ્‍પ્રેરણા સાથે બળાત્‍કારનો ગુનો દાખલ કરાવ્‍યો છે. વરાછા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મૂળ ગીર સોમનાથના વતની અને હાલ સુરતના વરાછા ચોપાટી સામે ઘનશ્‍યામ નગર ખાતે રહેતા સોહમ ગોહિલ સાડીના કારખાનામાં કામ કરે છે. લગભગ વર્ષ પહેલા તેને નજીકમાં સાડીના કારખાનામાં કામ કરતી એક ૧૭ વર્ષની તરુણી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેના વતન તરફની હોવાથી બંને વચ્‍ચે મિત્રતા વધી હતી અને Instagram મારફતે સંપર્ક વધતા તેમની વચ્‍ચે પ્રેમ સંબંધ વધ્‍યો હતો. યુવાને તરુણીને લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્‍યા હતા. જોકે ત્રણ મહિના અગાઉ અન્‍ય યુવતી સાથે સગાઈ થતાં તરુણી ભાંગી પડી હતી.

તરુણીનો પરિવાર વરાછા સ્‍ટુડિયો અમરોલી ખાતે રહેવા જતો રહ્યો હતો. ત્‍યાં પણ આ તરુણ પહોંચ્‍યો હતો અને કિશોરીને પોતાની વાતોમાં ભોળવી બંને આપઘાત કરવા ત્રીજા માળે ગયા હતા. બંને એકબીજાનો હાથ પકડીને કૂદકો લગાવવાના હતા. જોકે તરુણીએ કૂદકો માર્યો તે સમયે હાથ છોડી યુવક ત્‍યાંથી ભાગી છૂટયો હતો. બીજી તરફ તરુણી ત્રીજા માળેથી નીચે પટકાતા તેના શરીરમાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે હોસ્‍પિટલ ખાતે સારવાર દરમિયાન તબીબોએ તરુણીના પરિવારને તે ગર્ભવતી હોવાની જાણ કરતાં પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તરુણીના પરિવારે આ યુવક સુરતના વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરવા દોડી ગયા હતા અને આ યુવક વિરુદ્ધ આપઘાતની દુષ્‍પ્રેરણા સાથે બળાત્‍કારનો ગુનો દાખલ કરાવ્‍યો હતો. જોકે વરાછા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરતા આરોપી પોતાનો મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવાની તજવીજ શરૂ કરી છે.

(11:53 AM IST)