<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

૨૩ માર્ચે લેવાનારી ગુજકેટ માટે ૧.૩૦ લાખ વિદ્યાર્થી નોંધાયા

ધોરણ-૧૨ સાયન્‍સ પછી ઈજનેરી અને ફાર્મસી અભ્‍યાસક્રમોમાં પ્રવેશ માટે શિક્ષણ બોર્ડ દ્વારા : ગત વર્ષની સરખામણીમાં આ વખતે ગુજકેટમાં ૮ હજાર વિદ્યાર્થીનો ઘટાડો થયો

અમદાવાદ, તા.૨૨: ધોરણ-૧૨ સાયન્‍સ પછી ઈજનેરી અને ફાર્મસી અભ્‍યાસક્રમોમાં પ્રવેશ માટે શિક્ષણ બોર્ડ દ્વારા ૨૩ માર્ચના રોજ ગુજકેટ લેવામાં આવનાર છે. ગુજકેટ માટે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવ્‍યા બાદ તાજેતરમાં ફોર્મ ભરવાની કાર્યવાહી પુર્ણ થઈ છે. જેમાં આ વખતે સમગ્ર રાજ્‍યમાંથી ગુજકેટ માટે ૧.૩૦ લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળે છે. ગતવર્ષની સરખામણીમાં આ વખતે ગુજકેટ માટે ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું સામે આવ્‍યું છે. ગતવર્ષે ૧.૩૮ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. ગુજકેટ માટે રેગ્‍યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદત પુર્ણ થયા બાદ લેઈટ ફી સાથે ફોર્મ સ્‍વિકારવાનું શરૂ કરાયું હતું. જેમાં રાજ્‍યના ૨૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લેઈટ ફી સાથે ફોર્મ ભર્યા હતા.

પ્રાપ્‍ત માહિતી અનુસાર, ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દરવર્ષે ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ લેવામાં આવે છે. આ વખતે બોર્ડ દ્વારા ૨૩ માર્ચના રોજ ગુજકેટ લેવાનો નિર્ણય કર્યો છે. જેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી ૧૭ ડિસેમ્‍બરથી શરૂ કરવામાં આવી હતી અને ૩૧ ડિસેમ્‍બર સુધીમાં ગુજકેટ માટેના ફોર્મ ભરવા સમય આપવામાં આવ્‍યો હતો. ગુજકેટ પરીક્ષા માટે બોર્ડ દ્વારા રૂ. ૩૫૦ ફી નક્કી કરવામાં આવેલી છે. નિયમિત ફી સાથે ફોર્મ ભરવાની મુદત ૩૧ ડિસેમ્‍બરના રોજ પુર્ણ થયા બાદ બોર્ડ દ્વારા નિયમિત ફી સાથે ફોર્મ સ્‍વીકારવાની મુદ્‌ત ૭ જાન્‍યુઆરી સુધી લંબાવવામાં આવી હતી.

આમ, નિયમિત ફી સાથે ફોર્મ ભરવાની મુદત પુર્ણ થઈ ત્‍યાં સુધીમાં ગુજકેટ માટે સમગ્ર રાજ્‍યમાંથી ૧૨૮૯૫૭ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. જોકે, ત્‍યારબાદ પણ કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાનું જણાતા બોર્ડે ૧૫ જાન્‍યુઆરી સુધી લેઈટ ફી સાથે ફોર્મ સ્‍વિકારવાનું ચાલુ રાખ્‍યું હતું. જેથી અંદાજે ૨૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ગુજકેટ માટે લેઈટ ફી સાથે ફોર્મ ભર્યા હતા. આ સાથે હવે રાજ્‍યમાં ગુજકેટ માટે કુલ ૧૩૦૫૦૦ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્‍યું છે.

ગતવર્ષની સરખામણીમાં આ વખતે ગુજકેટ માટે વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. ગતવર્ષે સમગ્ર રાજ્‍યમાંથી ૧.૩૮ લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજકેટ માટે નોંધાયા હતા. જેમાંથી પરીક્ષા વખતે ૧૩૪૫૦૯ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા. આમ, આ વખતે અંદાજે ૮ હજાર જેટલા વિદ્યાર્થીઓનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્‍જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી, ડિપ્‍લોમા ફાર્મસી અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-ખ્‍ ગ્રૂપ-ગ્‍ અને ગ્રુપ-ખ્‍ગ્ના ઉમેદવારો માટે ગુજકેટ લેવામાં આવે છે.(૨૩.૫)

(3:55 PM IST)