<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓનો જનાદેશ શહેરી જનમાનસનો પ્રવાહ બતાવશે

ર૦રરની ધારાસભાની ચૂંટણી પછી સૌથી વધુ મતદારોને સ્‍પર્શતી પ્રથમ ચૂંટણીઃ કોંગ્રેસ-ભાજપના ભાવિને અસર કરશે પરિણામ ૬૬ નગરપાલિકાઓ, જૂનાગઢ મહાનગરપાલિકામાં સામાન્‍ય ચૂંટણીઃ તાલુકા પંચાયતની ૯૧ બેઠકોની પેટાચૂંટણીઃ મંગળવારથી ઉમેદવારી પત્ર ભરી શકાશે

રાજકોટ તા. રર :.. રાજય ચૂંટણી પંચે ગઇકાલે નગરપાલિકાઓ અને અન્‍ય ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તે મુજબ તા. ર૭ જાન્‍યુઆરી થી  ફેબ્રુઆરી સુધી ઉમેદવારી કરવાનો સમય છે. તા. ૪ ફેબ્રુઆરીએ ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તા. ૧૬ ફેબ્રુઆરીએ મતદાન અને તા. ૧૮ મીએ મત ગણતરી થશે. ધારાસભાની ચૂંટણી પછી સૌથી મોટા શહેરી જનાદેશનો અવસર આવ્‍યો છે. ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે સીધો જંગ થશે. અન્‍ય કોઇ પક્ષ મેદાનમાં ઉતરે તો ત્રિપાંખીયો કે બહુપાંખીયો જંગ થઇ શકે છે. લગભગ તમામ જિલ્લાઓના કોઇને કોઇ નગરમાં ચૂંટણી છે. એટલે પરિણામ શહેરી જનમાનસની દિશા દર્શાવશે.

૬૬ નગરપાલિકાઓ, ૩ તાલુકા પંચાયતો અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઇ છે. ઉપરાંત અન્‍ય મહાનગરની ૩, નગરપાલિકાઓની ર૧ જિલ્લા પંચાયતની ૯ અને તાલુકા પંચાયતોની ૯૧ બેઠકોની પેટાચૂંટણી છે. ઉપરોકત બધી ચૂંટણીઓમાં રાજયના  કુલ મતદારોમાંથી ૩૦ ટકાથી વધુ મતદારોનો સમાવેશ થઇ જાય તેવો અંદાજ છે.

ગ્રામ પંચાયત સિવાઇની સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચૂંટણી ભાજપ-કોંગ્રેસ બન્ને પોતાના પક્ષના નિશાન પર જ લડે છે. તે પરંપરા જળવાઇ રહેશે. છેલ્લી ચૂંટણીમાં અધિકાંશ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન હતું તા. ૧૮ ફેબ્રુઆરીનું પરિણામ નગરોના જનમાનસનો પ્રવાહ સ્‍પષ્‍ટ કરશે.  ૬૬ નગરો બાદ ર૦રપ ના વર્ષમાં જ નવા ૯ મ્‍યુ. કોર્પોરેશનોમાં ચૂંટણી આવવાપાત્ર છે. ર૦ર૬ ના પ્રારંભે તાલુકા - જિલ્લા પંચાયતો અને રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, અમદાવાદ, વડોદરા કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે.

૬૬ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતોમાં કમળ ખીલે તો ભાજપ વધુ મજબુત બનશે. કોંગ્રેસ મોટો ભાગે પડાવે તો કોંગ્રેસનો ઉત્‍સાહ વધવાની સાથે ભાજપ નબળો પડી શકે છે. ભાજપનો દેખાવ વધારે નબળો રહે તો સંગઠનના નેતૃત્‍વ સામે અને સરકારના નેતૃત્‍વ સામે અવાજ ઉઠવાની શકયતા પ્રબળ બનશે.

(11:52 AM IST)