<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

બજેટની તૈયારીઃ મોડી રાત સુધી ધમધમતુ સચિવાલય

૧૯ ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્રઃ બીજા દિવસે કનુભાઇ બજેટ રજુ કરશે વિવિધ વિભાગો પાસેથી નાણાકીય જરૂરીયાતની માહિતી મંગાવાઇઃ નવી યોજનાઓ આવશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.રરઃ રાજય સરકારની તમામ નાની-મોટી કચેરીઓ પોતાની જરૂરીયાત મુજબ આગામી નાણાકીય વર્ષની જરૂરીયાત મુજબ દરખાસ્તો તૈયાર કરવાની કામગીરીમાં લાગી ગઇ છે.

આગામી વર્ષ માટે નાણાંકીય જોગવાઇઓ તૈયાર કરી સરકારમાં મોકલવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. આગામી ફેબ્રુઆરી માસની ૧૯ તારીખે બજેટ સત્ર શરૂ થનાર છે. આ બજેટસત્ર ૩૧ માર્ચ સુધી ચાલશે. બજેટ તા.૨૦મીએ રજુ થશે.

આ બજેટસત્ર માટે રાજયના મુખ્યમંત્રીએ જુદા-જુદા વિભાગોમાં હવાલો સંભાળતા મંત્રીશ્રીઓ અને નાણાંકીય જોગવાઇઓની ચકાસણીના જાણકાર અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી ગઇ છે.

રાજયની તમામ નાની-મોટી નાણાંકીય જરૂરીયાતની દરખાસ્તો રાજયના નાણાં વિભાગ અને નાણામંત્રીને તૈયારીઓ કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.

આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાણામંત્રી નવા વર્ષનું બજેટ રજુ કરશે. ઉપરાંત જુદા-જુદા વિભાગોમાંથી આવેલ જરૂરીયાતને ધ્યાને લઇ ચકાસણી કરી મંજુર કરવાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

સચિવાલય ખાતે દરેક વિભાગોની કચરીઓ પણ મોડી રાત સુધી તૈયારીમાં લાગી ગઇ છે. અને વિવિધ કચેરીઓમાંથી આવતી દરખાસ્તોની ચકાસણી કરવામાં વ્યસ્થ છે. આ ચકાસણી પછી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં મળનારી કેબિનેટ બેઠકમાં અગત્યના પાસાઓની ચર્ચા-પરામર્શ કરવામાં આવશે અને ત્યારબાદ બજેટ માટે મુકવામાં આવશે.

આમ આ બધી તૈયારીઓ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી આખરી ઓપ આપી સરકારી પ્રસેમાં બજેટને પ્રિન્ટીંગ કરવા માટે મોકલવામાં આવશે. તૈયાર થયા બાદ નાણામંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર રજુ કરશે

(12:15 PM IST)