<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 અંતર્ગત સરાહનીય કામગીરી કરવા બદલ શૈક્ષણિક સંસ્થાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

વિરમગામ ખાતે ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલના વરદહસ્તે તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ભારત સરકાર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2024 થી 23 નવેમ્બર 2024 સુધી તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ ખાતે વિવિધ તમાકુ નિષેધના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તેમજ વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાની 339 શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ મુક્ત શૈક્ષણીક સંસ્થા જાહેર કરવામાં આવી હતી.‌ અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરના સીધી દેખરેખ હેઠળ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી. વિરમગામ ખાતે વિરમગામ શહેરની 9 શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 અંતર્ગત સરાહનીય કામગીરી બદલ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને અલગ અલગ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.

(3:42 PM IST)