News of Friday, 24th January 2025
વડોદરામાં વિશ્વામિત્રી નદીના વરસાદી પૂરથી બચાવવા માટેના પ્રોજેક્ટને મંજૂરી
પ્રથમ તબક્કાનું કામ 100 દિવસમાં પૂર્ણ કરાશે:પ્રથમ તબક્કાનો પ્રોજેક્ટ પૂર્ણ થતાં પૂરની સંભાવના 40 ટકા ઘટી જવાનો દાવો

વડોદરામાં વિશ્વામિત્રી નદીના વરસાદી પૂરથી બચાવવા માટેના પ્રોજેક્ટને મંજૂરી મળી છે. વરસાદી પૂરથી બચાવવા માટેના પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ 100 દિવસમાં પૂર્ણ કરાશે. પ્રથમ તબક્કાનો પ્રોજેક્ટ પૂર્ણ થતાં પૂરની સંભાવના 40 ટકા ઘટી જવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં રજૂ કરાયેલા લાંબા અને ટૂંકા ગાળાના કામો પૂર્ણ કરવામાં આવશે. આજે મહાનગરપાલિકાના મળેલી ખાસ સામાન્ય સભામાં સભાસદોએ આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આ પ્રોજેક્ટ અંગેની વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, આગામી ચોમાસાઓમાં વિશ્વામિત્રીના નદીમાં પૂર આવે તો તેને કાબૂમાં રાખી શકાય અને શહેરના લોકોને આ સમસ્યાથી મુક્તિ મળી રહે. આ પ્રોજેક્ટ ભારત સરકારના પૂર્વ સચિવ બી.એન. નવલાવાલાની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યો છે.
કમિશનરે સભાસદોને માહિતી આપતાં કહ્યું કે, આ પ્રોજેક્ટની કામગીરી રાત-દિવસના પ્રયત્નોથી 100 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં વિશ્વામિત્રી નદીની વહનશક્તિમાં વધારો કરવામાં આવશે અને નદીના પ્રવાહને અનુકૂળ બનાવી શહેરને પૂરના જોખમથી બચાવવાનું મિશન છે.
વિશ્વામિત્રી નદીના પુનર્જીવન માટેના આ પ્રોજેક્ટમાં કુલ ₹1200 કરોડના ખર્ચનો અંદાજ છે. મ્યુનિસિપલ કમિશનરનો દાવો છે કે આ પ્રોજેક્ટની લાગુ પડતી કામગીરીથી આગામી ચોમાસા દરમિયાન પૂરના જોખમમાં 40% ઘટાડો થશે. આ માટે ટુંકા અને લાંબા ગાળાના આયોજનથી કાર્ય કરવામાં આવશે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
