તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 25th January 2025
ભાજપ શાસિત નાંદોદ તાલુકાના પંચાયતમા વિકાસના કામો બાબતે વિવાદ પુનઃ ચરમ સીમાએ
કુમસગામના ડેપ્યુટી સરપંચ નવીન વસાવા અને નાંદોદ તા.પં પ્રમુખના પતિ સુનિલ વસાવા વચ્ચે વિકાસના કામ મુદ્દે માથાકુટ થતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો.

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ભાજપ શાસિત નાંદોદ તાલુકા પંચાયત મહિલા પ્રમુખના પતિ સુનીલ વસાવા પુનઃ વિવાદમાં આવ્યા છે. નાંદોદ તાલુકા પંચાયતનો વહીવટ પ્રમુખના પતિ પોતે કરતા હોવાની અનેક વાર ફરિયાદો ઉઠી છે.ત્યારે વિકાસના કામ બાબતે સુનીલ વસાવા અને કુમસગામમાં ડેપ્યુટી સરપંચ નવીન વસાવા વચ્ચે માથાકુટ થતા મામલો આમલેથા પોલીસ મથકમાં પહોંચ્યો હતો.જો કે અંતે ભાજપ નાં આગેવાનો વચ્ચે પડતાં બંને વચ્ચે સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તા.પં પ્રમુખ વનિતાબેન વસાવાના પતિ સુનિલ વસાવાએ આમલેથા પોલીસ મથકમાં કરેલી અરજી મુજબ એમના ફોન પર કુમસગામના ડેપ્યુટી સરપંચ નવીન વસાવાનો ફોન આવ્યો હતો કે ગામના કામો કેમ અમને આપતા નથી બીજાને કેમ આપો છો. બાદમાં સુનીલ વસાવા કુમસગામ પંચાયત ઓફિસ ગયા ત્યારે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને જાનથી મારવાની ધમકી આપી હતી.
તો બીજી બાજુ કુમસગામના ડેપ્યુટી સરપંચ નવીન કમલેશ વસાવાએ કરેલી અરજી મુજબ એમણે સુનિલ વસાવાને ફોન કરી કહ્યું હતું કે તમે સરકારી બોરના કામ બીજાને કેમ આપો છો, ત્યારે સુનિલ વસાવાએ સામે કહ્યું કે હું ભાજપ પ્રમુખ છું, મારી મરજી થશે એમને કામ આપીશ તું મને કોણ કેહવાવાળો એની રીસ રાખી સુનિલ વસાવા મારવા માટે કુમસગામ આવ્યો હતો.અને લાકડી કાઢી મારવા લાગ્યો હતો. સુનિલ વસાવાએ કહ્યું હતું કે મારા કામમાં દખલ કરીશ તો તને જીવતો નહિ રાખું.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નાંદોદ તાલુકા પંચાયતનો વહીવટ પ્રમુખના પતિ સુનિલ વસાવા કરતા હોવાના આક્ષેપ સાથે ચૂંટાયેલા સભ્યોએ મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે કાર્યવાહી કરી હતી. સાથે સાથે રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી.જો કે ભાજપના મોટા માથાઓ એ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.ત્યારે હવે નાંદોદ તાલુકા પંચાયતના વહીવટમાં પ્રમુખના પતિની દખલગીરી બંધ કરવા સંગઠન યોગ્ય પગલા લે એ જરૂરી બન્યું છે. કેમકે આવા વહીવટ માં છબી ભાજપની બગડી રહી છે.આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામે આવી રહી છે ત્યારે ભાજપ ને આવા સાસન થી નુકસાન થઈ શકે છે
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
