<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

દેડિયાપાડા ખાતે ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી: કલેક્ટર એસ.કે.મોદીએ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા:દેશના ૭૬મા પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે દેડિયાપાડા તાલુકાના પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી.
ધ્વજવંદન બાદ પોલીસ જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) કરાયું હતું. બાદમાં કલેક્ટર એ પરેડનું નિરિક્ષણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ તકે કલેક્ટર એ આપણા બંધારણીય આદર્શોને અનુસરીને લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવા સૌને સંકલ્પબદ્ધ બની વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી આજની આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા માટે સંકલ્પબધ્ધ થવા આહવાન કર્યું હતું.
જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ પ્રજાસત્તાક દિનના પાવન પર્વે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી- અનામી સ્વાતંત્ર્યસેનાનીઓને યાદ કરી જણાવ્યું કે, આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે. બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે. બંધારણની પ્રસ્તાવનામાં રજૂ થયેલા આદર્શો એકબીજાના પૂરક છે. તેની પ્રસ્તાવના - "આપણે, ભારતના લોકો" શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રાણ છે. માત્ર એટલું જ નહીં પણ દેશનું બંધારણ વિશ્વ-બંધુત્વ અને સર્વ-કલ્યાણની ભાવનાના પાયા પર રચાયું છે. બંધારણમાં દરેક નાગરિકના મૂળભૂત હક્કો અને ફરજોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે સર્વસમાવેશી વિકાસની આધારશીલા છે. પંચોત્તેર વર્ષની લોકશાહી રાષ્ટ્ર તરીકે આપણી યાત્રામાં પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકેની ક્ષમતાઓ ઉજાગર કરવામાં નોંધપાત્ર રીતે સફળ થયા છીએ અને લોકશાહીના આ સંસ્કાર આપણી ભાવિ પેઢીમાં વધુ સુદ્રઢ બને તે માટે પુરુષાર્થ કરવો તે આપણી સૌની ફરજ છે. આપણો દેશ ત્યારે જ ખરા અર્થમાં વિકસિત બનશે જ્યારે આપણે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરીશું. આ વિચારને અનુરુપ આપણે ગરીબો અને વંચિતોના વિકાસ માટે કટિબદ્ધ બનીએ તેવી અપીલ કરી હતી.
આ અવસરે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય પર્યુષાબેન વસાવા, વગેરેના હસ્તે વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા કુલ ૩૫ વ્યક્તિઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા

(10:09 PM IST)