<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

શાળાના સિક્યોરિટી ગાર્ડે સગીરા સાથે શારીરિક અડપલા કર્યા

અમરાઈવાડીમાં સરકારી શાળાની ઘટના :ગભરાયેલી સગીરાએ બુમાબુમ કરતા નરાધમ સિક્યોરિટી ગાર્ડે સગીરાને બદનામ કરી દઈશ તેવી ધમકી આપીને નાસી છૂટ્યો હતો

અમદાવાદ,તા.૨૮

અમદાવાદ શહેરના અમરાઈવાડીમાં સરકારી શાળામાં ધો-૭માં અભ્યાસ કરતી સગીરા શૌચક્રિયા માટે બાથરૃમ ગઈ ત્યારે શાળાના સિક્યોરિટી ગાર્ડે સગીરા સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. ગભરાયેલી સગીરાએ બુમાબુમ કરતા નરાધમ સિક્યોરિટી ગાર્ડે સગીરાને બદનામ કરી દઈશ તેવી ધમકી આપીને નાસી છૂટ્યો હતો. આ અંગે સગીરાની માતાએ સિક્યુરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવી છે. ઉત્તરપ્રદેશના વતની અને હાલ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય પરિણીતા તેના પતિ અને ત્રણ બાળકો સાથે રહે છે. મહિલાના પતિ ચોકીદાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાના ત્રણ સંતાનોમાંથી સૌથી મોટી પરંતુ સગીર વયની દીકરી અમરાઈવાડી સરકારી શાળા-૭માં ધોરણ-૭માં અભ્યાસ કરે છે. ગત શનિવારે માતા જ્યારે તેની દીકરીને સ્કુલે લેવા માટે ગયા ત્યારે તેમની દીકરી ખૂબ જ ગભરાયેલી હતી. જેથી ઘરે જઈને માતાએ સગીર વયની દીકરી સાથે વાત કરતા દીકરી રડવા લાગી. બાળકીએ જણાવ્યું કે તે જ્યારે બાથરૃમમાં શૌચક્રિયા કરવા ગઈ ત્યારે સ્કુલનો સિક્યોરિટી ગાર્ડ અચાનક આવ્યો અને તેને પાછળથી બાથમાં ભરી લીધી અને છાતી પર હાથ ફેરવવા લાગ્યો હતો. ત્યારબાદ બુમાબુમ કરતા સિક્યોરિટી ગાર્ડે "બુમો પાડીશ તો તને બદનામ કરી દઈશ" કહીને નાસી ગયો હતો. શનિવારની રાતે મહિલા તેના પતિ સાથે વાતચીત કરીને આ અંગે અમરાઈવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સિક્યોરિટી ગાર્ડ ભરત ચૌહાણ વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(9:55 PM IST)