News of Wednesday, 29th January 2025
અમદાવાદમાં ગૌ આધારીત ઉત્પાદનોના પ્રદર્શને આકર્ષણ જમાવ્યું
ગોબરના દીવા, અગરબતી, ગૌમુત્ર અર્ક જેવી અનેકવિધ આઇટમો પ્રદર્શીતઃ ડો.કથીરીયા

રાજકોટઃ તાજેતરમાં અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા હિંદુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર ૨૦૨૫માં ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. સ્ટોલ નંબર ૬૬ ગૌ આધારિત ઇકોનોમી માટે નું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ એક ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સમાજ સેવા પર આધારિત એક વિશિષ્ટ મંચ છે. આ પ્રદર્શન પર્યાવરણ, માનવ સેવા, અને આધ્યાત્મિકતા જેવી મૂલ્યવાન બાબતોને પ્રોત્સાહન આપે છે. આ મંચ દેશભરમાં સમાજ કલ્યાણના ઉદ્દેશ સાથે કાર્યરત સંગઠનો અને વ્યક્તિઓ માટે અવકાશ પૂરો પાડે છે.
જયારે ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ એ ગૌ આધારિત ઉદ્યોગો અને સેવાઓ માટે વિશિષ્ટ કાર્યરત મંચ છે. જેમાં ગૌશાળા મેનેજમેન્ટ, ગૌચર વિકાસ, પંચગવ્ય ઉત્પાદન, ગૌ તંદુરસ્તી, પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ સંરક્ષણ જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે.
સંસ્થાના સ્થાપક ડો.વલ્લભભાઈ કથીરિયા એ જણાવ્યુ હતું કે અહીંજ ગોબરના દીવા, અગરબતી, લક્ષ્મી-ગણેશ મૂર્તિઓ, તોરણ, દ્યડીયાળ, પૂજા થાળી,પંચગવ્યમાંથી બનાવવામાં આવતા સાબુ, શેમ્પુ, નસ્ય, ગૌમુત્રમાથી બનતી આઇટમોમાં ગોનાઇલ, ગૌમુત્ર અર્ક, બાયો ફર્ટીલાઇઝર, જેવી અનેક ગોબર- ગૌમુત્રમાંથી બનાવવામાં આવતી વસ્તુઓ રાખવામા આવી હતી. ડો. કથીરિયા એ જણાવ્યુ હતું કે સંસ્થાના તમામ ગૌ પ્રેમી, ખેડૂત, અને યુવાનોને આહવાન કરે છે કે ગૌ આધારિત ઉદ્યોગો અને પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપે.
આગામી પહેલ વિશે જીસીઆઇના જનરલ સેક્રેટરી શ્રી મિતલભાઈ ખેતાણી અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા જણાવ્યુ છે. (૩પ.૯)
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
