<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

ચરોતર નાગરિક બેન્‍કમાં ઉચાપત કરનારની ૨૦ વર્ષે ધરપકડ

પોન્‍ઝી સ્‍કીમમાં રૂ.૭૭ કરોડથી વધુની ઉચાપતનો કેસ :ઇન્‍ટરપોલની મદદથી CBIએ અમદાવાદથી ૨૦ વર્ષથી મોસ્‍ટ વોન્‍ટેડ વીરેન્‍દ્ર પટેલની ધરપકડ કરી

અમદાવાદ, તા.૩૦: ઇન્‍ટરપોલની મદદથી CBIએ અમદાવાદથી ૨૦ વર્ષથી મોસ્‍ટ વોન્‍ટેડ વીરેન્‍દ્ર પટેલની ધરપકડ કરી  તે પોન્‍ઝી સ્‍કીમમાં રૂ.૭૭ કરોડથી વધુની ઉચાપતનો કેસમાં સામેલ હતો. તેણે ચરોતર નાગરિક સહકારી બેંકમાં ઉચાપત કરી હતી તથા ૨૦૦૨માં ગુજરાત પોલીસે ફરિયાદ દાખલ કરી હતી તેમ જ ૩ માર્ચ, ૨૦૦૪માં CBIએ રેડ કોર્નર નોટિસ ઈશ્‍યુ કરી હતી. જેમાં આરોપી અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્‍યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ સાથે ઇન્‍ટરપોલના રેડકોર્નર નોટિસનો સામનો કરી રહેલા બે ભાગેડુ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત અને તામિલનાડુમાં અલગ-અલગ કેસોમાં વોન્‍ટેડ બે ભાગેડુઓની અમેરિકા અને થાઇલેન્‍ડથી પરત ફર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. પોન્‍ઝી સ્‍કીમ દ્વારા રોકાણકારોના રૂ. ૮૭ કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરનારા આરોપી જનાર્થન સુંદરમને બેંગકોકથી ભારત લાવવામાં આવ્‍યો હતો.

તામિલનાડુ પોલીસે કોલકાતા એરપોર્ટ પરથી તેની અટકાયત કરી હતી. તામિલનાડુ પોલીસની આર્થિક ગુના શાખા  દ્વારા ગુનાહિત કાવતરું, ગુનાહિત વિશ્વાસ ભંગ, છેતરપિંડી, થાપણો/વ્‍યાજની ચુકવણીમાં ડિફોલ્‍ટ અને અનિયમિત થાપણ યોજનાઓ પ્રતિબંધ અધિનિયમ, ૨૦૧૯ હેઠળના ગુનાઓ માટે વોન્‍ટેડ હતો. CBIના પ્રવક્‍તાએ કહ્યું હતું કે તામિલનાડુ પોલીસની વિનંતી પર CBIએ ૨૧ જૂન, ૨૦૨૩એ ઇન્‍ટરપોલ તરફથી તેમની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરાવી હતી.

એજન્‍સીએ કહ્યું હતું કે ૨૮ જાન્‍યુઆરી, ૨૦૨૫માં બેંગકોકનો પ્રવાસ કરનારા સુંદરમને રેડ નોટિસને આધારે પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્‍યો હતો.

(3:22 PM IST)