તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
સગીર પુત્રીએ પ્રેમી સાથે મળીને ઘરમાંથી જ લોકર ચોરી કરીને બેરેજમાં ફેંકી દીધું
ઘરમાં જ ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના ખૂલી ઃલોકરમાં ડોક્યુમેન્ટ, બંદૂકના ૨૨ કારતૂસ અને દાગીના સહિત ૧.૫૭ લાખની મતા હતી

અમદાવાદ, તા.૩૦
બોપલના શેલામાં રહેતા ૪૩ વર્ષીય આધેડની સાવકી સગીર પુત્રીએ પ્રેમી સાથે મળીને ઘરમાં જ ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના ખૂલી છે. સગીરાના પ્રેમીએ નાણાંની જરૃર હોવાનું કહેતા સગીરાએ તેના પિતાનું લોકર જ ઘરમાંથી ઊઠાવી લીધું હતું. લોકર ચોરી કરીને સગીરા તેના પ્રેમી સાથે વાસણા ડેમ પાસે આવી હતી. ત્યાં તેણે લોકરમાંથી નાણાં સહિતની મતા ચોરી કરીને લોકર ફેંકી દીધું હતું. આ ઘટનાને લઇને સાવકા પિતાએ પોલીસને જાણ કરતા બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી સગીરા સામે કાર્યવાહી કરીને તેના પ્રેમીને ઝડપી લીધો છે.
શેલામાં આવેલી ક્લબ ઓ સેવન પાસે રહેતા ૪૩ વર્ષીય આધેડે પોતાની કિંમતી વસ્તુઓ, રોકડા અને દાગીના મૂકવા માટે રૃમના કબાટમાં એક લોકર રાખ્યું હતું. ગત સપ્ટેમ્બર માસમાં આધેડને એક્ટિવાના કાગળો લોકરમાં મૂકવાના હોવાથી તેમણે કબાટ ખોલ્યું ત્યારે લોકર ગાયબ હતું. આધેડે ઘરમાં તપાસ કરતા લોકર મળી આવ્યું નહોતું. લોકરમાં પાસપોર્ટ, જરૃરી ડોક્યુમેન્ટ, બંદૂકનું લાઇસન્સ, બાર બોર બંદુકના ૨૨ જીવતા કારતૂસ અને સોનાના દાગીના સહિત ૧.૫૭ લાખની મતા હતી. લોકરની ચોરી થઇ હોવાની શંકા દાખવીને તેમણે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે સાવકી સગીર પુત્રી અને તેનો પ્રેમી ઋતુરાજ ચાવડા ચોરી કરીને જતા દેખાયા હતા. બંને પ્રેમી પંખીડા પુંઠાના બોક્સમાં લોકર મૂકીને ચોરી કરીને એક્ટિવા પર ભાગતા હતા. જેથી આધેડે સાવકી સગીર પુત્રીની પૂછપરછ કરતા તેણે આ મામલે કોઇ જવાબ આપ્યો નહોતો. જેથી આખરે આધેડને પોલીસનો સહારો લેવાની ફરજ પડી હતી. આધેડે આ મામલે બોપલ પોલીસને જાણ કરતા પોલીસે સગીરા અને તેના પ્રેમી ઋતુરાજ ચાવડા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી ઋતુરાજ ચાવડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સગીરાએ પ્રેમી સાથે મળીને તમામ રોકડ વાપરી નાખીને લોકર વાસણા બેરેજમાં ફેંકી દીધું હતું. આરોપી ઋતુરાજ મુળ માણસાનો છે અને સેલ્સમેનની નોકરી કરતો હતો.
પોલીસે આ મામલે ધો.૧૨માં ભણતી સગીરા અને પ્રેમી ઋતુરાજ ચાવડાની પૂછપરછ કરતા તે બંને બે વર્ષ પહેલા રિવરફ્રન્ટ ખાતે મળ્યા હતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી ઋતુરાજ ચાવડાએ ફરવા જવા માટે પૈસાની જરૃર હોવાનું કહેતા સગીરાએ તેના સાવકા પિતાના લોકરની ચોરી કરવાનું કહીને ગુનાને અંજામ આપ્યો હતો.
આધેડે બીજા લગ્ન કરતા તેની પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે તે રહેતા હતા. સપ્ટેમ્બર માસની આ ઘટનાને લઇને આધેડે મામલો પતાવવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ સાવકી પુત્રીએ ચોરી કરી હોવાની કબૂલાત ન કરતા આખરે આધેડને પોલીસ સ્ટેશનના પગથિયા ચઢવા પડ્યા હતા. ઘરમાં જ સાવકી પુત્રીએ ચોરી કરતા આખરે આધેડ અને પત્ની આ કારણથી અલગ રહેવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
