News of Thursday, 30th January 2025
સુરતના પૂણામાં ફિલ્મી ઢબે થયેલી રૂ. 3.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: દેવું થઈ જતાં ફરિયાદીએ જ તરકટ રચ્યું હતું
ફરિયાદી ધ્રુવીનની આગવી ઢબે પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો:પોતાના ઉપર દેવું થઈ ગયું હોવાથી લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી

સુરત :શહેરના પૂણા વિસ્તારમાં ફિલ્મી ઢબે લૂંટની ઘટના સામે આવી હતી. જેમાં બાઈક પર ધસી આવેલા બે ઈસમોએ બેંકમાંથી પૈસા ઉપાડીને જતાં એકાઉન્ટન્ટ પર હુમલો કરીને સાડા 3 લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં સમગ્ર લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જેમાં ફરિયાદીએ જ લૂંટનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નીલ માધવ પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો ધ્રુવિન વાછાળી નામનો યુવક આજે સીતાનગર સ્થિત કોટક બેંકમાંથી 3.50 લાખ રૂપિયા લઈને પોતાના બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન પૂણાગામ સ્થિત નિશાળ ફળિયા નજીક બાઈક પર અજાણ્યા બે ઈસમો ધસી ધ્રુવિનની બાજુમાંથી પસાર થયા હતા. જેમણે માથામાં ટપલી મારતા ધ્રુવીન ઉભો રહ્યો હતો. આ સમયે બાઈક પર આવેલા ઈસમોએ ધ્રુવિનને છરી મારીને તેની પાસે રહેલ પૈસાનો થેલો લૂંટી ભાગી ગયા હતા.
આ લૂંટની ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત ધ્રુવીનને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરી હતી.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરિયાદી ધ્રુવીનની આગવી ઢબે પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. જેણે પોતાના ઉપર દેવું થઈ ગયું હોવાથી લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી. જે બાદ પોલસની ટીમે લંબે હનુમાન મંદિર રોડ પરના નાળામાંથી લૂંટવામાં આવેલ રૂ. 3.50 લાખ રિકવર કરીને આગળની કાયદેરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
