<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વિજય મુહૂર્ત કર્યું :ચૂંટણી પહેલા જ ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ

વોર્ડ નંબર આઠમાં ભાજપના ત્રણ ઉમેદવારો અને વોર્ડ નંબર 10 માં એક ઉમેદવાર બિનહરીફ થયા :ચૂંટણી પહેલા જ 44 સીટમાંથી 4 બેઠક મળી જતા કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ

વલસાડ: રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમ છે. તમામ રાજકીય પક્ષ એદી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન વલસાડ  નગરપાલિકામાં ભાજપે ચુંટણી વગર ખાતું ખોલ્યું છે.   નગરપાલિકામાં ચાર બેઠક થઈ બિન હરીફ થઈ છે.  

વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર આઠમાં ભાજપના ત્રણ ઉમેદવારો અને વોર્ડ નંબર 10 માં એક ઉમેદવાર બિનહરીફ થયા છે. ચૂંટણી પહેલા 44 સીટમાંથી 4 બેઠક મળી જતા કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. 

  કોંગ્રેસ કે અન્ય કોઈ અપક્ષો પણ ફોર્મ નહીં ભરતા ભાજપના ઉમેદવારો ચૂંટણી વિના જ બિનહરીફ ચૂંટાયા છે.  ચૂંટણી પહેલા ભાજપના ફાળે 44 માંથી  4  બેઠકો આવતા કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.  ત્યારે બીજી તરફ  તમામ બિનહરીફ વિજેતા ઉમેદવારોનું વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર સન્માન કરવામાં આવ્યું છે. 

 

વલસાડ જિલ્લામાં પાલિકાની ચૂંટણીને લઈ રાજકીય ઉથલ પાથલ જોવા મળી છે. વલસાડ આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ મરચા અને તેનો પરિવાર આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી અને ભાજપમાં જોડાયા છે. આજે રાજુ મરચાની પુત્રી, પુત્ર અને પત્નીએ ભાજપમાં વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને સાંસદ ધવલ પટેલે વિધિવત પ્રવેશ કરાવ્યો છે.  

 

વોર્ડ નંબર 11 માંથી પણ આપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આપ છોડી ભાજપમાં જોડાયા છે. આપના જિલ્લા સંયુક્ત સચિવ શશિસિંહ રાજપૂત, આનંદસિંગ, વિપુલ રાય, સતીશ સિંહ અને શિવમ સિંહ સહિત કાર્યકર્તાઓને સાંસદ ધવલભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ  ભાજપમાં પ્રવેશ અપાવ્યો છે. 

(5:26 PM IST)