તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
રાજયમાં ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં આવશે પલટો :ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં પુન: ઠંડીનો ચમકારો જોવા મળશે અને કેટલાક ભાગોમાં ઠંડા પવનો ફૂંકાતા તીવ્ર ટાઢનો અનુભવ થશે ;વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ છવાશે

અમદાવાદ : રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જ્યારે દિવસભર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડતા ગુજરાત પરથી હાલ પુરતુ માવઠાનું સંકટ ટળી ગયું છે. જો કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનને લઈને મોટી આગાહી કરી છે.
આગામી દિવસોમાં એક પછી એક પશ્ચિમી વિક્ષોપ આવશે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ખાસ કરીને દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હીમવર્ષા અને કરા પડવાની શક્યતા રહેશે. જેના પરિણામે આગામી 5 થી 7 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં પુન: ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ફેબ્રુઆરી મહિનાના અંતમાં પણ માવઠાની અસર રહેશે. જેમાં આગામી 19 ફેબ્રુઆરી બાદ હવામાનમાં મોટી હલચલ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેના કારણે આ મહિનાના અંતમાં એટલે કે 23 ફેબ્રુઆરી બાદ હવામાનમાં પલટો આવશે. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ વર્ષે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડી રહ્યા છે, જે આગામી ચોમાસા માટે પણ ચિંતાજનગ ગણી શકાય.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
