<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

વડોદરાના જવેલર્સ શોરૂમમાં ગ્રાહક તરીકે જઇ નકલી દાગીના મુકી અસલી દાગીના ચોરી કરતી મહિલાને ઝડપી લેવાઇ

૩ ગુન્‍હાનો ભેદ ખુલ્‍યો : ક્રાઇમ બ્રાન્‍ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને પીઆઇ આર.જી.જાડેજાની ટીમને સફળતા

રાજકોટ, તા., ૩: વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના જવેલર્સના શો રૂમમાં અજાણીસ્ત્રી ગ્રાહક તરીકે પ્રવેશ કરી દુકાનદારની નજર ચુકવી દાગીના ચોરી કરતી હોવાની ઘટનાઓ બની હતી. આ સંદર્ભે ગુન્‍હા શોધી કાઢવા સક્રિય થયેલી ક્રાઇમ બ્રાન્‍ચની ટીમને સફળતા મળી છે. વડોદરાના કોયલીની પ્રવિણા ઉર્ફે ટીની મહેન્‍દ્ર સેનવા (ઉ.વ.૪૪) રહે. સાગર પ્‍લાઝાને ઝડપી લઇ પુછપરછ હાથ ધરવામાં આવતા ૩ ગુન્‍હાનો ભેદ ઉકેલાયો છે.

ઘટનાઓ અંગે ફરીયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્‍ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી મયુરસિંહ રાજપુતના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર.જી.જાડેજા અને પીઆઇ એચ.ડી.તુવરની ટુકડીના સબ ઇન્‍સ્‍પેકટર અને પોલીસ જવાનો કામે લાગ્‍યા હતા અને ઘટના સ્‍થળ આસપાસના અને દુકાનોના સીસીટીવી ફુટેજ અને બાતમીદારોના નેટવર્ક થકી તપાસ શરૂ કરી હતી. દરમિયાન માંડવી સોની બજારમાં એક શંકાસ્‍પદ મહિલા દાગીના વેચવા નિકળી હોવાની તેણે કાળા કલરનું સફેદ ફુલવાળુ ટોપ અને લાલ કલરની સફેદ ટપકાવાળી ચુંદડી પહેરી હોવાની માહીતી મળતા ટીમના સભ્‍યો માહિતીવાળા સ્‍થળે અંબાજી માતાની પોળમાં પહોંચી ગયા હતા અને શંકાસ્‍પદ મહિલાને અટકાયત કરી પુછપરછ અને ઝડતી કરતા રૂમાલમાં બાંધેલી સોનાની એક ચેઇન અને સોનાની બે વીંટી મળી આવ્‍યા હતા. આ દાગીના અંગે પુછપરછ કરતા મહિલા ગેંગે ફેંફે થઇ ગઇ હતી અને ચોરીની કબુલાત આપી હતી. આ મહિલા બગસરાના નકલી દાગીના મુકી દુકાનદારની નજર ચુકવી અસલી દાગીના સેરવી લેતી હતી. ચોરીના ૩ ગુન્‍હા માંજલપુર, મકરપુરા અને વાડી પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા હતા. ચોરાયેલ ર.૩૦ લાખનો મુદામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો છે.

(5:02 PM IST)