<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

જૈન તીર્થધામ પાલિતાણાને જોડતા રસ્તા નવા બનાવવા વધુ 52 કરોડની ફાળવણી : 26 કિ.મી.ના રસ્તા-પુલોની સુધારાશે

યાત્રાધામ પાલિતાણાને જોડતા 24.90 કિલોમીટરના 6 રસ્તાઓની સુધારણા તથા પુલોના કામો માટે રૂપિયા 40.50 કરોડ મંજૂર કર્યા હતા

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે જૈનોના તીર્થધામ પાલિતાણાને જોડતા 800 મીટર લંબાઈના રસ્તાઓના નવીનીકરણ તથા પુલોના વિવિધ કામો માટે રૂપિયા 51.57 કરોડ મંજૂર કર્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રીએ રાજ્યના 44 પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓની સુધારણા માટે તથા કનેક્ટિવિટી વધારવા માટે રૂપિયા 2,269 કરોડ મંજૂર કર્યા હતા. જેમાં યાત્રાધામ પાલિતાણાને જોડતા 24.90 કિલોમીટરના 6 રસ્તાઓની સુધારણા તથા પુલોના કામો માટે રૂપિયા 40.50 કરોડ મંજૂર કર્યા હતા.

હવે પાલિતાણા માટે વધુ રૂપિયા 51.57 કરોડ મંજૂર થતાં આ તીર્થધામ માટે અત્યાર સુધી કુલ રૂપિયા 92.07 કરોડ મંજૂર થઈ છે. જે ૨કમ 25.70 કિલોમીટરના માર્ગોની સુધારણા તથા પુલોના કામોમાં વપરાશે. આ બધા રસ્તાઓના નવીનીકરણ તથા નિર્માણથી યાત્રાધામ પહોંચવાનું અંતર ઘટશે અને પાલિતાણા શહેરમાં જવાના રસ્તે આવેલા પાલિતાણા- તળાજા માર્ગ ઉપરના જંક્શન ખાતે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા ઘટશે. તદુપરાંત જૈન તીર્થમાં આવતા દર્શનાર્થીઓ અને પદયાત્રીઓની સુરક્ષા વધશે તેવો આશાવાદ સરકાર દ્વારા વ્યક્ત થયો છે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિતાણા સુધી જવાનો માર્ગ હાલમાં અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર પુષ્કળ માત્રામાં ખાડા પડી ગયા છે.

(1:07 PM IST)