<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ગોકુલધામ નાર ખાતે 9 વિઘામાં મનોદિવ્યાંગ તથા અનાથ બાળ- બાલિકા માટે બનશે કેમ્પસ: જાણો શું હશે સુવિધા

રાજ્યનું સૌથી હાઈટેક કેમ્પસ બનાવાશે. જે આગામી બે વર્ષમાં બનીને તૈયાર થઈ જશે.

અમદાવાદ :ગોકુલધામ નાર સંસ્થા દ્વારા લોક કલ્યાણ માટે અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેમાં હવે આગામી સમયમાં મનોદિવ્યાંગ તથા અનાથ બાળ બાલિકાની સેવા પણ ગોકુલધામ નાર દ્વારા કરવામાં આવશે. આ માટે અહીં ગોકુલધામ નાર પરિસરમાં 9 વિઘા જમીનમાં ભવ્ય રાજ્યનું સૌથી હાઈટેક કેમ્પસ બનાવાશે. જે આગામી બે વર્ષમાં બનીને તૈયાર થઈ જશે. મહત્ત્વનું છે કે, આ કેમ્પસનું ભૂમિપૂજન ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટા શુકદેવ સ્વામી, હરિકેશવ સ્વામી અને મુખ્ય દાતા હર્ષદભાઈ પટેલ, સંજયભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ગોકુલધામ નાર ખાતે આગામી સમયમાં તૈયાર થનારા મનોદિવ્યાંગ તથા અનાથ બાળ બાલીકા કેમ્પસની વિશેષતા વિશે વાત કરીએ તો અહીં કૂલ 4450.1 સ્ક્વેર મીટર બિલ્ડઅપ એરિયામાં ત્રણ હાઈટેક ફેસિલિટીવાળી બિલ્ડિંગ બનશે. જેમાં 112 સ્પેશિયલ ચાઈલ્ડ સહિત 16 કેર ટેકર રહી શકશે. આ ઉપરાંત 96 ઓર્ફન્સ ચાઈલ્ડ અને 2 કેર ટેકર રહી પણ શકશે. તો કેમ્પસમાં એક કેન્ટિન અને મોટું ગાર્ડન પણ બનાવવામાં આવશે. તો અહીં શારીરિક અને માનસિક રીતે અશક્ત લોકો માટે વિશિષ્ટ તાલીમ, ચિકિત્સા, પુનર્વસન અને જીવન વિકાસ માટેની સેવાઓ અપાશે. આગામી બે વર્ષમાં મનોદિવ્યાંગ તથા અનાથ બાળ બાલીકા કેમ્પસ બનીને તૈયાર થશે.

વૂમન્સ સ્પેશિયલ નીડ્સ & વૂમન્સ ઓર્ફન્સ હેબિટેટ બિલ્ડિંગ,ટ્રસ્ટી રેસિડન્સ,મેન્સ સ્પેશિયલ નીડ્સ & મેન્સ ઓર્ફન્સ હેબિટેટ બિલ્ડિંગ,HOD & સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડિંગ,સેન્ટ્રલ કિચન, લોન્ડ્રી & વર્કર્સ ક્વાટર્સ,સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગ, 3 અંડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક, પંપ & ઇલેક્ટ્રિકસ રુમ,ટ્યુબ વેલ,વિઝિટર પાર્કિંગ,સર્વન્ટ ક્વાર્ટર,ગ્રાઉન્ડ લેવલ વોટર ટેન્ક, 2 મટિરિયલ સ્ટોર રૂમ

  ગોકુલધામ નારના સ્વપ્ન દૃષ્ટા શુકદેવ સ્વામીએ જણાવ્યું કે, પ્રાચીન સમયથી ભારતે માનવતાના આદર સાથે નિરાધાર અને દિવ્યાંગ લોકો માટે સહાયકાર્યનું મહત્વ સમજાવ્યું છે. શારીરિક અને માનસિક રીતે અશક્ત લોકો માટેની સેવા એ માત્ર કરુણાની અભિવ્યક્તિ નથી, પરંતુ માનવજાત માટે સહાનુભૂતિ અને માનવતાની ઊંડાણપૂર્વકની અભિવ્યક્તિ છે. ભારતમાં 3000થી વધુ શાળાઓ આ ક્ષેત્રે શિક્ષણ, તાલીમ અને જીવન કૌશલ્યના વિકાસ માટે સમર્પિત છે. આ શાળાઓમાં તેમનું શૈક્ષણિક અને વ્યાવસાયિક જીવન સહજ બની શકે તે માટે પ્રયત્નશીલ કામગીરી થાય છે. આ શાળાઓ બાળકોને આત્મનિર્ભર બનાવવા સાથે સમાજમાં તેમની આગવી ઓળખ બનાવવા માટે કામ કરે છે.

  શુકદેવ સ્વામીએ વધુમાં કહ્યું કે, આ જ વિચાર સાથે સ્વામી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાર ખાતે આ સેવા યજ્ઞમાં સહભાગી થવા અધતન સુવિધાઓથી સજ્જ વિશાળ અને આધુનિક કેમ્પસનું ભૂમિપુજન 9 વીઘા જમીન ઉપર મનોદિવ્યાંગ બાળકો તથા અનાથ બાળકો માટે કરવા જઈ રહ્યું છે. આ કેમ્પસમાં શારીરિક અને માનસિક રીતે અશક્ત લોકો માટે વિશિષ્ટ તાલીમ, ચિકિત્સા, પુનર્વસન અને જીવન વિકાસ માટેની સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. અહીં તેઓ માટે એવી તકો ઉપલબ્ધ થશે જે તેમને પોતાના જીવનને નવી દિશામાં આગળ ધપાવશે. આ કેમ્પસ માત્ર મદદનું કેન્દ્ર નહીં, પરંતુ એક આશ્રયસ્થાન અને પ્રેરણાનું સ્રોત બની રહેશે.

(1:26 PM IST)