<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

તલોદ પાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિકોણીયો જંગઃપ્રાંતિજમાં ભાજપથી નારાજ અપક્ષોએ ઝંપલાવતાં ત્રિકોણીયો મુકાબલો જોવા મળશે જ્યારે તલોદમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે

સાબરકાંઠા,તા.૫

સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંઆગામી ૧૬મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે પ્રાંતિજ અને તલોદમાં ત્રણ-ત્રણ ફોર્મ જ્યારે ખેડબ્રહ્મામાં પાંચ ફોર્મ પરત ખેંચાયા હતા. પ્રાંતિજમાં ભાજપથી નારજ અપક્ષોએ ઝંપલાવતાં ત્રિકોણીયો મુકાબલો જોવા મળશે જ્યારે તલોદમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે.

પ્રાંતિજ પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-અપક્ષોએ ઉમેદવારી ફોર્મ ભરવામા આવ્યા હતા અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે ત્રણ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે. હવે પાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિકોણીયો જંગ ખેલાવાનો છે. ત્યારે ભાજપને કોંગ્રેસ કરતાં અપક્ષ ઉમેદવારો નડશે તેવો ભય જોવા મળી રહ્યો છે.

પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને મેન્ડેડ આપી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે ભાજપે ટિકિટ ફાળવણી દરમિયાન કેટલાક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે વોર્ડ નંબર-૬ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તથા વોર્ડ-૨ના અપક્ષ ઉમેદવાર તથા વોડ નંબર-૬માં અપક્ષ ઉમેદવાર દ્વારા પોતાનુ ફોર્મ પરત ખેચતાં ત્રણ ફોર્મ પરત ખેંચાયા તો હવે, ૬૪ ઉમેદવારોમાંથી ૬૧ ઉમેદવારો મેદાનમાં છે. જેમા ભાજપ-૨૦, કોંગ્રેસ-૧૯, અપક્ષ-૨૦, એઆઇએમઆઇએમ ૨ સહિત ૬૧ ઉમેદવારો મેદાનમાં છે.

તલોદ ઃ તલોદ નગરપાલિકાની ૧૬મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ત્રણ ફોર્મ પાછા ખેંચાતાં ૬ વોર્ડની ચૂંટણી માટે કુલ ૬૨ ઉમેદવારો મેદાનમાં રહેતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આ અંગે મળતી વિગતો મુજબ, તલોદ નગર પાલિકાના ૬ વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને ટિકિટ આપી હતી. જોકે પૂર્વ ઉપપ્રમુખ ઋતુલ પટેલ સહિત પૂર્વ નગરસેવિકા દીપાબેન કુવાડીયાને ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે ભાજપના અગ્રણીઓએ દરમિયાનગીરી કરતા વોર્ડ નં. ૬માંથી ઋતુલ પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. તલોદ પાલિકાની ચૂંટણીમાં ત્રણ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જોકે હવે તલોદ પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી છે. જોકે ૮ ઉમેદવાર આમ આદમી પાર્ટીના અને ૬ અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી જીતવા માટે મહેનત કરશે.

(9:57 PM IST)