News of Thursday, 6th February 2025
વડોદરાના નિઝામપુરામાં ઓઈલ ટેન્કરે પિતા-પુત્રીને હડફેટે લીધા, પિતાનું કમકમાટીભર્યું મોત: દીકરી ગંભીર રીતે ઘાયલ
ઈન્ડિયન ઓઈલની ટેન્કરનો ચાલક અકસ્માત સજર્યા બાદ ભાગી ગયો: છેલ્લાં 6 મહિનામાં ભારદારી વાહનો દ્વારા 20થી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો

વડોદરાના નિઝામપુરાના જૂના એસ ટી ડેપો પાસેથી મોપેડ લઈને પસાર થઈ રહેલા વૃધ્ધ અને એમની દીકરીને ઈન્ડિયન ઓઈલની ટેન્કરે અડફેટે લીધા હતા. જેમાં 70 વર્ષના વૃધ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જયારે એમની દીકરીનો હાથ છુંદાઈ જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરીને ટેન્કર ચાલકને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
શહેરના ન્યુ-સમા રોડ પર આવેલી ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં રહેતા 70 વર્ષના વયોવૃધ્ધ કૃષ્ણકાંતભાઈ ભટ્ટ તેમની 56 વર્ષની દીકરી અર્પિતાને મોપેડ પર બેસાડીને દવાખાને મેડિકલ ચેકઅપ કરાવવા નિઝામપુરા ગયા હતા. આ દરમિયાન દવાખાનેથી પાછા ફરતી વેળાએ નિઝામપુરા વિસ્તારમાં આવેલા જૂના એસ ટી ડેપો પાસેથી માતેલા સાંઢની જેમ ધસી આવેલી ઈન્ડિયન ઓઈલના ટેન્કરે કૃષ્ણકાંતભાઈના મોપેડને અડફેટે લીધા હતા. જેમાં કૃષ્ણકાંત ભાઈ ફંગોળાઈને નીચે પટકાયા હતા. જયારે એમની દીકરી અર્પિતાનો હાથ ટેન્કરના પૈડા નીચે આવી ગયો હતો.
આ અકસ્માત એટલે ખતરનાક હતો કે એમાં કૃષ્ણકાંતભાઈનું કમકમાટીભર્યું મોત નીપજયુ હતુ. જ્યારે એમની દીકરી અર્પિતાનો હાથ છુંદાઈ જતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દુર્ઘટના સર્જાયા પછી ટેન્કરનો ચાલક પોતાનુ વાહન સ્થળ પર જ છોડીને ભાગી છૂટયો હતો. આ બનાવ અંગે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
