<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

કાલે દિવા શાહ સાથે લગ્નગ્રંથીએ જોડાશે ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી

અમદાવાદમાં એક સાદા અને પરંપરાગત સમારોહમાં લગ્નના બંધનમાં બંધાશે: પ્રસંગમાં કપલના નજીકના સગાસંબંધીઓ અને ખાસ મહેમાનો હાજર રહેશે.

અમદાવાદ : ગૌતમ અદાણીના નાના પુત્ર, જીત અદાણી હીરા વેપારી જયમિન શાહની પુત્રી દિવા શાહ સાથે 7 ફેબ્રુઆરી, 2025 ના રોજ અમદાવાદમાં એક સાદા અને પરંપરાગત સમારોહમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. આ પ્રસંગમાં કપલના નજીકના સગાસંબંધીઓ અને ખાસ મહેમાનો હાજર રહેશે. ખાસ વાત એ છે કે આ લગ્ન સમારંભમાં દેશભરના દિવ્યાંગ લોકો અને કારીગરોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર, અદાણી ગ્રુપના અધ્યક્ષ અને ભારતના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના લગ્નની ઉજવણી 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. જીત, ગૌતમ અદાણી અને ડૉ. પ્રીતિ અદાણીના નાના પુત્ર છે અને તે હીરા વેપારી જયમિન શાહની પુત્રી દિવા શાહ સાથે સાત ફેરા ફરશે.

ગૌતમ અદાણીએ 2025 ના મહાકુંભની મુલાકાત દરમિયાન તેમના પુત્ર જીત અદાણી અને દિવા શાહના લગ્નની તારીખની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ લગ્ન 7 ફેબ્રુઆરી, 2025 ના રોજ અમદાવાદ, ગુજરાતમાં યોજાશે.

જીત અને દિવાના લગ્ન અંગે વાત કરતા, ગૌતમ અદાણીએ કહ્યું, 'અમે સામાન્ય લોકોની જેમ છીએ… તેમના લગ્ન ખૂબ જ સરળ અને પરંપરાગત રીતે યોજાશે. સેલિબ્રિટી-સ્ટડેડ લગ્ન અંગેની અફવાઓને ખોટી સાબિત કરતાં, તેમણે વધુ ઉમેર્યું, 'બિલકુલ નહીં. આ એક સરળ, પરંપરાગત અને પારિવારિક સમારંભ હશે.'

જીત અદાણી, અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણીના નાના પુત્ર છે, જ્યારે દિવા શાહ હીરા વેપારી જયમિન શાહની પુત્રી છે.

જીત અદાણી હાલ અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેમણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે અને તેઓ એક પ્રશિક્ષિત પાઇલટ પણ છે.

જીત અદાણી અને દિવા શાહની સગાઈ માર્ચ 2023માં અમદાવાદમાં નજીકના પરિવારજનો અને મિત્રોની હાજરીમાં યોજાઈ હતી. હવે, આ કપલ 7 ફેબ્રુઆરી, 2025 ના રોજ અમદાવાદમાં પરંપરાગત વિધિઓ સાથે લગ્નના બંધનમાં બંધાશે

(1:10 PM IST)