<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

ગુજરાતની તમામ કચેરીઓમાં સૂર્ય ઉર્જાનો પ્રકાશ પથરાશેઃ વીજ ખર્ચ ઘટશે

સૂર્યની અખૂટ ઉર્જાનો વીજ ઉત્‍પાદનમાં ઉપયોગઃ રાત્રીના સમય માટે પવનચકી જેવી વ્‍યવસ્‍થા વિચારણામાં : ઉર્જા વિકાસ એજન્‍સીના નિયામક અજય પ્રકાશની અકિલા સાથે વાતચીત

રાજકોટ તા. ૭: સૂર્ય એ ઉર્જાનો અખૂટ ભંડાર છે. તેના કિરણોથી ઉર્જાનું ઉત્‍પાદન કરીને ઘર, ઓફીસ, ઉધોગો વગેરે માટે ઉપયોગ કરવાની યોજના પ્રચલિત થઇ છે સોલાર રૂફટોપ થકી વીજળીનો ખર્ચ બચાવી  શકાય છે અથવા નોંધપાત્ર ઘટાડી શકાય છે. આ યોજનાના અમલમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે. રાજય સરકારે તમામ સરકારી કચેરીઓને સૂર્ય ઉર્જાથી પ્રકાશિત કરવાનું કામ ઉપાડયુ છે આગામી વર્ષ ૧૫૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરી આ કામગીરીને વધુ વેગ આપવામાં આવશે.

ગુજરાત સરકાર હસ્‍તકની ગુજરાત ઉર્જા વિકાસ એજન્‍સીના નિયામક શ્રી અજય પ્રકાશ (આઇ.એ.એસ.) એ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ચાલુ વર્ષમાં ૫૦ કરોડ ખર્ચી સરકારની આશરે ૧૮૦૦ કચેરીઓમાં સોલાર રૂફટોપ લગાવવામાં  આવ્‍યા છે. આગામી વર્ષમાં આ કાર્ય અભિયાન સ્‍વરૂપે કરવામાં આવશે વધુ રૂા. ૧૫૦ નો ખર્ચ કરી સરકારની બાકીની કચેરીઓમાં  આ સુવિધા ઉભી કરવામાં આવશે. બોર્ડ-નિગમોને પોતાની આર્થિક વ્‍યવસ્‍થા હોય છે તેમાંથી તે સોલાર લગાવી શકે છે. દ્વારા તમામ કલેકટર કચેરીઓ, પંચાયત કચેરીઓ, સરકારી વિભાગોની કચેરીઓ વગેરેને આવરી લેવામાં આવશે. આવતા એક વર્ષમાં સરકારની લગભગ તમામ મુખ્‍ય કચેરીઓમાં સૂર્ય ઉર્જાનો પ્રકાશ પાથરવાની નેમ છે. હાલ સૂર્ય આધારિત વીજ ક્ષમતા૧૫ મેગાવોટ જેટલી થઇ છે. સુવિધાનો વ્‍યાપ વધારવાથી સૂર્ય  ઉર્જા આધારિત વીજ ઉત્‍પાદન ક્ષમતા વધશે રહેણાંક મકાનોમાં પણ આ યોજનાને વ્‍યાપક પ્રતિસાદ મળ્‍યો છે. સૂર્ય ઉર્જાથી વીજળી મેળવવાથી વીજ બીલમાં ધરખમ ઘટાડો થાય છે.

શ્રી અજય પ્રકાશે દિવસે સૂર્ય આધારિત વીજળી મેળવવાની જેમ રાત્રે બિલ્‍ડીંગો પર પવનચક્કી જેવી વ્‍યવસ્‍થા ગોઠવી વીજળી મેળવવાની વ્‍યવસ્‍થા વિચારધીન હોવાનો નિર્દેષ કર્યો છે. આ સિસ્‍ટમ પ્રથમ પ્રાયોગિક ધોરણે અમૂક વિસ્‍તારમાં લાગુ કરવામાં આવશે તેની સફળતા જોયા પછી વ્‍યાપ વધારવાનો વિચાર થશે. 

(11:50 AM IST)