તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Friday, 7th February 2025
ટ્રાફિક-રસ્તાઓ પર ગેરકાયદે પાર્કિંગ મામલે સખ્તાઈથી વર્તો : નિયમિત કામ થકી ઉકેલ લાવો :હાઇકોર્ટની ટકોર
હાઈકોર્ટે કહ્યું છે કે, નાગરિકોના જીવ જોખમમાં મૂકતા, કાયદો તોડતા તત્ત્વો સામે સખ્તાઈથી વર્તો અને કેસની સુનાવણી હોય તેટલા પૂરતી જ નહીં, નિયમિત રીતે કામ કરી કાયમી નિકાલ લાવો.

અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટે રોડ, ટ્રાફિક-રસ્તાઓ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે સરકાર-AMCને ટકોર કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, નાગરિકોના જીવ જોખમમાં મૂકતા, કાયદો તોડતા તત્ત્વો સામે સખ્તાઈથી વર્તો અને કેસની સુનાવણી હોય તેટલા પૂરતી જ નહીં, નિયમિત રીતે કામ કરી કાયમી નિકાલ લાવો.
રાજ્યભરમાં રખડતા ઢોરો, બિસમાર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં આજે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ. સુપહિયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, નાગરિકોના જીવને જોખમમાં મૂકતા અને આડેધડ-વારંવાર નિયમ ભંગ કરતા કે કાયદો તોડતા તત્વો વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી હાથે કામ લો. લારી- ગલ્લા સહિતના ગેરકાયદે દબાણો, ટ્રાફિકની વિકટ સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ સહિતની સમસ્યાઓ મામલે હાઇકોર્ટમાં કેસની સુનાવણી હોય ત્યારે જ અને તેટલા પૂરતી નહી પરંતુ સતત અને નિયમિત ધોરણે કાયમી નિરાકરણ આવે તે રીતે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરો. અમારે કાયમી સોલ્યુશન જોઇએ છે. સરકારપક્ષ અને AMC તરફથી હાઇકોર્ટના હુકમોની અમલવારી અને દબાણો દૂર કરવાથી લઈ ટ્રાફિક સહિતની સમસ્યાઓના નિરાકરણ માટેની ખાતરી આપવામાં આવી હતી.
ખંડપીઠે ટકોર કરતાં જણાવ્યું હતું કે, મિ. જીપી તમે બાંહેધરી તો આપી છે, પરંતુ ધ્યાન રાખજો. કારણ કે, બે વર્ષ પહેલાં પણ આવું જ થયું હતું. આ કેસની સુનાવણી મારી બેંચ સમક્ષ જ હતી અને એ વખતે પણ આવી રીતે ખાતરી અપાઇ હતી ને પછી કંઇ થયુ નહી. એટલે એક વાત મગજમાં રાખજો કે, જો હાઇકોર્ટના હુકમની અમલવારી નહી થાય તો કસૂરવાર અધિકારીઓની જવાબદારી બનશે.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
