<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

સુરતમાં બે વર્ષના માસૂમ બાળકના મોત બાદ મોટી કાર્યવાહી : અધિકારી -કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો

માસૂમ બાળકની અંતિમયાત્રા નીકળી: માતા-પિતાના હૈયાફાટ રુદનથી વિસ્તાર શોકમય થયો

સુરતમાં વરીયાવ વિસ્તારમાં વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડી ગયેલા બે વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું હતું. 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે માસૂમ બાળકની અંતિમયાત્રા નીકળી હતી. માતા-પિતાના હૈયાફાટ રુદનથી વિસ્તાર શોકમય થયો હતો. આ મામલે અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ સુરતના અમરોલી છાપરાભાઠા રોડના સુમન સાધના આવાસમાં રહેતા શરદભાઈ વેગડનો બે વર્ષનો દીકરો કેદાર ગત ૫ તારીખે સાંજે માતા સાથે વરીયાવ રોડ પર બુધવારી બજારમાં ગયો હતો. ત્યારે આઇસક્રીમ ખાવા માટે જીદે ચડેલા કેદારે માતાનો હાથ છોડાવી દોડ્યો હતો. ત્યારે રાધિકા પોઈન્ટના 120 ફૂટના રોડ નજીક ખુલ્લી સ્ટ્રોમ ડ્રેનેજમાં પડી ગયો હતો. વરસાદી ગટરમાં પડી જતા ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા અને બાળકને બચાવવાની કોશિશ પણ કરી હતી અને ત્યારબાદ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. દરમ્યાન ફાયર વિભાગની ટીમોએ વિવિધ વિભિન્ન ટેક્નિક અને સાધનો દ્વારા શોધખોળ કરી હતી.

દરમ્યાન બીજા દિવસે એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી હતી અને 24 કલાક બાદ 6 ફ્રેબુઆરીના રોજ સાંજે માસુમ બાળકનો મૃતદેહ વરીયાવ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી મળી આવ્યો હતો. બાળકના મોતને લઈને પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું. ગતરોજ બાળકના પરિવારજનો સહીત મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે બેસી રહ્યા હતા અને લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. માસુમ બાળક કેદારનો મૃતદેહ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યા બાદ બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં પરિવારજનોએ જવાબદારો સામે ગુનો નોંધાય નહી ત્યાં સુધી મૃતદેહ સ્વીકારનો ઇનકાર પણ કરી દીધો હતો

આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી.વનારએ જણાવ્યું હતું કે જે દુઃખદ ઘટના બની એમાં બીએનએસની કલમ 105 અને 54 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે સાપરાધ મનુષ્ય વધ એટલે ડ્રેનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી-કર્મચારી છે તે વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે. હાલ ફોરેન્સિક પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બાળકના પિતાએ જણાવ્યું હતું કે એફઆરઆઈ થઇ છે અને તંત્ર હવે તેનું કામ કરશે અને ક્યાય પણ એવું લાગશે ત્યારે અમે એક્શન લેશું, હાલ અમે અમારી વિધિ પૂર્ણ કરીશું, તંત્ર પાસે અને મહાનગર પાલિકા પાસે અમે એવી માંગ કરીએ છીએ કે આવું બીજા કોઈના દીકરા જોડે થાય નહી તેની ખાસ કાળજી લેવી જોઈએ, તપાસ સારી રીતે થાય તે માટે પોલીસ પાસે પણ અમારી માંગ છે.

 

(2:22 PM IST)