<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

હનીટ્રેપમાં ફસાયેલા હોટલ માલીકે સાઢુભાઈને અંતિમ વીડિયો મોકલી તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

પોલીસે પણ ફરિયાદ લેવાની જગ્યાએ ધક્કા ખવડાવતા પરિવારની જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાની માંગ

સુરત :શહેરના વરાછા વિસ્તારમાં આવેલી હોટલના માલિકે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવીને પોતાના સાઢુભાઈને મોકલ્યો હતો. જેમાં તેણે પોતે હનીટ્રેપમાં ફસાઈને જીવન ટૂંકાવી રહ્યા હોવાનું અને પોતાના મોત પાછળ બે મહિલા સહિત 4 લોકો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના પાસોદરા વિસ્તારમાં રહેતા પત્ની અને એક પુત્ર સાથે રહેતા યોગેશભાઈ જાવિયા (48) વરાછા સ્થિત મિની બજાર ખાતે હોટલ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેઓ આજથી બે મહિના પહેલા ઘરેથી ગુમ થઈ ગયા હતા. જે બાદ આજે ઉત્તરાણ નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે અંતિમ પગલું ભરતા પહેલા યોગેશભાઈએ પોતાના સાઢુભાઈને વીડિયો શેર કર્યો હતો. જેમાં પોતાની હોટલમાં કામ કરતી મહિલા સહિત 4 લોકોએ હની ટ્રેપમાં ફસાવીને 5 લાખ રૂપિયાની ઉઘરાણી કરતાં હોવાથી અંતિમ પગલું ભરવા મજબૂર બન્યા હોવાનું જણાવી રહ્યા છે.

મને નયના ભરત ઝાલા ભગાડીને લઈ ગઈ અને 4-5 દિવસ પછી અમે પાછા આવતા રહ્યા. જે બાદ નયના અનુ ઝાલા મારી પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી રહી છે. જો નહી આપે, તો તને મારી નાંખીશ અને તારી દુકાનમાં તોડફોડ કરીશે તેવી ધમકીઓ આપીને મજબૂર કરી મૂક્યો.

આ બન્નેએ મારી પાસેથી પૈસા પણ પડાવી લીધા અને હજુ બીજા 5 લાખ રૂપિયા માટે ધમકીઓ આપી રહ્યા છે. નયનાના કારણે મેં મારી પત્ની અને છોકરાને નોંધારા કરી મૂક્યા. મારી આત્મહત્યા કરવા પાછળનું કારણ પણ નયના અનુ ઝાલા, નયના ભરત ઝાલા તેમજ ભરત ઝાલા તથા અનુ ઝાલા છે. આ ચારેય મારા મોત માટે જવાબદાર છે. તેમના કારણે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. આથી આ ચારેયને બરાબરની સજા થવી જોઈએ તેવી મારી વરાછા પોલીસને માંગ છે.

બીજી તરફ મૃતકની પત્નીએ જણાવ્યું કે, મારા પતિ રેસ્ટોરન્ટ ચલાવતા હતા, જેમાં નોકરી કરતી એક મહિલા સાથે તેઓ ભાગી ગયા હતા. એ 5 દિવસ પછી પરત આવી ગઈ હતી, પરંતુ તેની જેઠાણી ફોન કરીને 5 લાખ રૂપિયા પડાવવા માટે બ્લેકમેઈલ કરતી હતી. જેના કારણે મારા પતિ બે મહિનાથી ઘરે આવ્યા જ નથી.

આ મામલે હું પોલીસ સ્ટેશનમાં ગઈ તો મને એક પછી એક પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવામાં આવ્યા, પરંતુ મારી ફરિયાદ કોઈએ ના લીધી. બે દિવસ પહેલા જ મારા જીજાજીને પોતે સ્યુસાઈડ કરી રહ્યા છે, તેવો વીડિયો મોકલ્યો હતો. જેથી અમે 100 નંબર પર ફોન કરીને જાણ પણ કરી હતી. આ સમયે તેમનું મોબાઈલ લોકેશન ગોધરા બતાવતું હતુ. જેથી સુરત પોલીસે ગોધરા અમારી હદમાં આવતું ના હોવાનો જવાબ આપ્યો હતો.

જે બાદ આજે કામરેજ પોલીસ મથકમાંથી અમારા પર ફોન આવ્યો કે, ઉત્રાણ પોલીસ મથકની હદમાં લાશ મળી છે, તો તમે ત્યાં આવી જાવ. અમારી એક જ માંગ છે કે, તેમના મોત પાછળ જે લોકો જવાબદાર છે, તેમને સજા થવી જ જોઈએ. આ ઉપરાંત જે પોલીસ અધિકારીઓએ અમને ધક્કા ખવડાવ્યા તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ.

(8:06 PM IST)