<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

છત્રાલ GIDCના ગોડાઉનમાં આગ ૫ શહેરના ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

સ્ક્રેપ ટ્રેડર્સના ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતીઃટ્રક સહિત માલસામાનનો જથ્થો બળી ગયો, આગની વિકરાળતાથી લોકોમાં ફફડાટ

ગાંધીનગર,તા.૭

કલોલ તાલુકાના છત્રાલ ખાતેની GIDCના ફેઝ-૨માં આવેલા સ્ક્રેપ ટ્રેડર્સના ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે ભીણ સ્વરૃપ પકડતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉંચે સુધી ઉઠતાં કંઇક અજુગતુ થયુ હોવાની લોકોમાં દહેશત સાથે ફફડાટ ફેલાયો હતો. આગને બુઝાવવા માટે ૫ શહેરના ફાયર બ્રિગેડનો સ્ટાફ કામગારીમાં લાગ્યો હતો. આ બનાવમાં ટ્રક સહિત માલસામાનનો જથ્થો બળી ગયો હતો.

ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ એટલી ઝડપથી પ્રસરી ગઇ હતી કે કાબુમાં લેવા માટે કલોલ, કડી, માણસા, મહેસાણા, ગાંધીનગર અને કલોલ ONGCની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ગોડાઉનમાં આગના કારણે પ્લાસ્ટિક બેગ, બેરલ અને એક મિની ટ્રક સહિતનો તમામ માલસામાન બળી ગયો હતો. બનાવની ગંભીરતાને લક્ષમાં લઇ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આગના મોટી જ્વાળાઓ આકાશમાં ઊંચે સુધી પહોંચતા દૂર-દૂરથી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા.

કલોલ તાલુકા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(9:37 PM IST)