<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

બનાસકાંઠામાં પાછલા વર્ષોની તુલનાએ બટાકાના માતબર ઉત્પાદનની શક્યતા

માર્કેટમાં બટાકા પહોંચી રહ્યા છે તેમ તેમ ભાવમાં ઘટાડો થાય છે :હાલના ભાવ યથાવત રહે તો ખેડૂતોને ફાયદો થઇ શકે

અમદાવાદ : બટાકાનું હબ ગણાતા બનાસકાંઠામાં બટાકાનું ઉત્પાદન શરૂ થયું છે. યોગ્ય વાતાવરણ જળવાતા બનાસકાંઠામાં પાછલા વર્ષોની સરખામણીએ બટાકાના માતબર ઉત્પાદનની શક્યતા છે. સિઝનની શરૂઆતમાં બટાકાના ભાવ 250ને પાર પહોંચ્યા હતા. જોકે જેમ જેમ ઉત્પાદન વધી રહ્યું છે, અને માર્કેટમાં બટાકા પહોંચી રહ્યા છે તેમ તેમ ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે હાલના ભાવ યથાવત રહે તો ખેડૂતોને ફાયદો થઇ શકે છે.

ખેડૂતોને આશંકા છે કે ઉત્તરપ્રદેશ અને આગ્રાના બટાકા ગુજરાતમાં આવશે ત્યારે બટાકાના ભાવ વધુ ઘટશે. ખેડૂતોને ચિંતા છે કે ખાતર, દવાઓ અને ઇંધણના મોટાપાયે ખર્ચા બાદ જો બટાકાનો ભાવ તૂટશે તો ખેડૂતોને મોટું નુકસાન થઇ શકે છે. હાલ બનાસકાંઠાના બજારોમાં બટાકાની એન્ટ્રી શરૂ થઇ છે. ખેડૂતોને 225થી 250 સુધી ભાવ પણ મળી રહ્યો છે. ત્યારે જો આ ભાવ યથાવત રહે તો ખેડૂતોનું વર્ષ સુધરી શકે છે.

 

(5:07 PM IST)