News of Monday, 10th February 2025
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે NEET ૪ મેના રોજ લેવાશેઃ ૭મી માર્ચ સુધી રજિસ્ટ્રેશન
ચાર નવી મેડિકલ કોલેજોને મંજૂરી મળતાં મેડિકલની ૭૨૫૦માં ૩૫૦ બેઠકોનો વધારો થશે

અમદાવાદ, તા.૧૦: રાજ્યની મેડિકલ -ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે આગામી ૪થી મેના રોજ NEET લેવામાં આવશે. આ પરીક્ષા માટે હાલમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે આગામી ૭મી માર્ચ સુધી ચાલશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગુજરાતી સહિત ૧૩ ભાષાઓમાં નીટ લેવામાં આવશે. દેશમાંથી ગતવર્ષે અંદાજે ૨૪ લાખ વિદ્યાર્થીઓએ નીટ આપી હતી જે પૈકી અંદાજે ૧૧ લાખ વિદ્યાર્થીઓ નીટ ક્વોલીફાય થયા હતા. ગતવર્ષે નીટના પરિણામમાં ૬૭ વિદ્યાર્થીઓને ૧૦૦માંથી ૧૦૦ પર્સન્ટાઈલ આવતાં ભારે વિવાદ થયો હતો. આ વિવાદના પગલે પ્રવેશ પ્રક્રિયામાં પણ વિલંબ થયો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ધો.૧૨ સાયન્સની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષાની સાથે સાથે મેડિકલ-ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે લેવાનારી NEET એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાનારી આ પરીક્ષા માટે ૭મી માર્ચ સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે. નીટના સ્કોરના આધારે દિલ્હીમાં બીએસસી ર્નસિંગ કોલેજમાં પણ પ્રવેશ ફાળવવામાં આવતો હોય છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી ૨૬મી એપ્રિલે કયા શહેરોમાં પરીક્ષા લેવાશે તેની જાહેરાત કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ ૧લી મેના રોજ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષાનો સમય ૧૮૦ મિનિટ એટલે કે ત્રણ ક્લાકનો રહેશે. બપોરે ૨થી ૫ દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના આધારે ૧૪મી જૂનના રોજ નીટનું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાતી સહિત કુલ ૧૩ ભાષાઓમાં નીટ લેવાશે. રાજ્યમાંથી દર વર્ષે ૭૦ હજારથી વધારે વિદ્યાર્થીઓ નીટ આપવા માટે દરખાસ્ત કરતા હોય છે. જે પૈકી ૪૮થી ૫૨ હજાર વિદ્યાર્થીઓ નીટ પાસ કરવામાં સફળ રહેતા હોય છે. સમગ્ર દેશની જુદા જુદા રાજ્યોની મેડિકલ-ડેન્ટલ કોલેજમાં પ્રવેશ માટે ૨૪ લાખથી વધારે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે છે જે પૈકી અડધા એટલે કે અંદાજે ૧૧થી ૧૨ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક બનતાં હોય છે. સમગ્ર પરીક્ષા ઓનલાઈન મોડ પર લેવામાં આવશે.
નીટ આધારિત કોર્સમાં કેટલી બેઠકો ઉપલબ્ધ
કોર્સ બેઠકો
મેડિકલ ૭૨૫૦
ડેન્ટલ ૧૨૫૫
હોમિયોપેથી ૪૪૦૦
આયુર્વેદ ૩૬૦૦
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
