<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

બંછાનિધી પાનીએ તમામ રોકોર્ડ તોડી સતત ચોથી વખત મ્યુનિસિપલ કમિશનર બન્યા

સુરત, બરોડા અને રાજકોટ પછી હવે અમદાવાદમાં બજાવશે ફરજ.: ચાર મોટા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપનાર પહેલા અધિકારી

અમદાવાદ :બંછાનિધી પાનીની બાહોશ અધિકારીઓમાં ગણના કરવામાં આવે છે. આઈએએસ અધિકારી તરીકેની કારકિર્દીમાં મહાનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે એકાદ વખત માંડ ચાન્સ મળતો હોય છે, અત્યાર સુધીમાં સૌથી વધુ ત્રણ વખત મ્યુનિસિપલ કમિશનર બનવાનો રેકોર્ડ ગંગારામ અલોરીયાના નામે હતો આ રેકોર્ડ બંછાનિધી પાનીએ તોડી નાખ્યો છે અને તેઓ ચોથી વખત મ્યુનિસિપલ કમિશનર બન્યા છે.

 

બંછાનિધી અગાઉ સુરત, બરોડા અને રાજકોટમાં પણ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હવે અમદાવાદમાં ફરજ બજાવશે. ગુજરાતના વહીવટી તંત્રના ઇતિહાસમાં ચાર મોટા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે અગાઉ કોઈપણ આઈએએસ અધિકારીએ સેવા આપી નથી. અત્યાર સુધીમાં ગંગારામ અલોરીયા ત્રણ શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે. અલોરિયા રાજકોટ બરોડા અને સુરતના કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે પાની તેમનાથી એકદમ આગળ નીકળી ગયા છે અને બરોડા, સુરત રાજકોટની સાથે તેઓ હવે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બન્યા છે.

 

આમ ચાર શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક પામેલા બંછાનિધી અત્યાર સુધીના પહેલા આઇએએસ અધિકારી છે જોગાનુજોગ તેમનો જ્યારે હુકમ થયો ત્યારે તેઓ દિલ્હી ચૂંટણીમાં નિરીક્ષક તરીકે સેવા આપી રહ્યા હતા હવે જ્યારે દિલ્હીની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તેઓ આજે અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળશે. આમ ચાર શહેરના મ્યુનિસિપલ કમિશનર બનીને પાની નવો રેકોર્ડ સ્થાપશે.

(10:49 PM IST)