તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આવકવેરાના દરોડામાં કરોડોના બિનહીસાબી વ્યવહારો મળી આવ્યા
૧૬માંથી ૩ બેંક લોકર ખોલ્યાઃ ૩ કરોડથી વધુ રોકડ અને અઢી કીલો સોનુ જપ્ત કરાયુ

રાજકોટ તા.૧૧: ગુજરાતના દેવ ગ્રુપ પર ઇન્કમટેક્ષએ દરોડા પાડ્યા હતા. જેમાં રૂપિયા ૧૫૦ કરોડની કરચોરી બહાર આવી હોવાનું સામે આવ્યું છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દેવ ગ્રુપના અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયામાં ૨૦ જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરોડામાં કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે અને રૂ. ૧૫૦ કરોડની કરચોરી બહાર આવી છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા રૂ. ૩.૫ કરોડની રોકડ રકમ મળી છે અને અઢી કિલો સોનું જપ્ત કરાયું છે.
આવકવેરા વિભાગ દ્વારા ૧૬ બેંક લોકર સીઝ કરાયા હતા અને તે પૈકી ૩ બેંક લોકર ઓપરેટ કરવામાં આવ્યા છે. ઈન્કમટેક્સ વિભાગને જમીન ખરીદીના વ્યવહારો મળ્યા છે અને રૂ.૧૫૦ કરોડનું જમીન રોકાણ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઉપરાંત ૨૦ જેટલા સ્થળે પાડવામાં આવેલા દરોડામાં ઈન્કમટેક્સ વિભાગને જમીન ખરીદીના વ્યવહારો મળ્યા હતા. ત્યારે આઇટી વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લિક્વિડ બ્રોમાઈન કોન્સન્ટ્રેટનું ઈન્ડસ્ટ્રીઝને વેચાણ કરવામાં આવ્યું હોવાના જંગી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓ દ્વારા મીઠાના ઉત્પાદન માટે પાણીના મૂલે ૯૯ વર્ષના લીઝ પર લેવામાં આવતી જમીન અન્ય પક્ષકારોને વારદીઠ મોટી રકમના ભાવે વેચી દેવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ગ્રુપ દ્વારા ચોપડે દર્શાવ્યા વિના નાણાં, રીઅલ એસ્ટેટ તથા હોસ્પિટાલિટીના ધંધામાં ટ્રાન્સફર કરતાં હોવાની મળેલી બાતમીના પગલે ઇન્કમટેક્ષ વિભાગે આ ગ્રૂપ પર સર્ચની કામગીરી હાથધરી છે
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
