<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

સાવલીમાં બસની અડફેટે બાઈકસવાર દંપતી ખંડિત : પતિની નજર સામે પત્ની પર ટાયર ફરી વળતા મોત

મૃતક મહિલા નોકરી પતાવીને પતિના બાઈક પાછળ બેસી ઘરે જવા નીકળ્યા અને રસ્તામાં મોત આંબી ગયું

વડોદરા જિલ્લાના સાવલી રોડ પર માતેલા સાંઢની માફક પુરપાટ દોડતી ખાનગી કંપનીની બસે બાઈકને ઠોકરે ચડાવ્યું હતુ. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર જઈ રહેલ મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે પતિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગેનીબેન વણકર નામની મહિલા મંજુસર સ્થિત કંપનીમાંથી નોકરી પૂર્ણ કરીને પોતાના પતિ ખાતુભાઈના બાઈક પર પાછળ બેસીને ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન સાવલી રોડ પર ગોઠડા ગામ નજીક ખાનગી કંપનીના કામદારોને લઈને આવતી એસ.આર. ટ્રાવેલ્સની બસે તેમના બાઈકને અડફેટમાં લીધુ હતુ.

આ અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતાં સાવલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે પંચનામું કરીને ગેનીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:55 PM IST)