<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

વડોદરાના કારેલીબાગમાં બંધ મકાનમાંથી ડિકમ્પોઝ થયેલી હાલતમાં યુવકની લાશ મળી

સોસાયટીના બંધ મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી આસપાસના રહીશોએ જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી

વડોદરા ; શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના બંધ મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી આસપાસના રહીશોએ જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે દરવાજો તોડીને તપાસ કરતાં અંદરથી એક યુવકની ડિકમ્પોઝ થયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કૌસ્તુભ વૈષ્ણવ (28) નામનો યુવક કારેલીબાગ વિસ્તારમાં આવેલી શિવાલી સોસાયટીમાં માતા-પિતાના અવસાન બાદ ઘરે એકલો રહેતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. કૌસ્તુભભાઈના મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતા પાડોશીઓએ તપાસ કરતાં તેમના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. આથી પાડોશીઓ દ્વારા કૌસ્તુભના બહેનને જાણ કરવામાં આવતા તેઓ પતિ સાથે શિવાલી સોસાયટી આવી પહોંચ્યા હતા. જેમણે પણ દરવાજો ખખડાવવા છતાં કોઈએ ના ખોલતા આખરે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દરવાજો તોડીને ઘરમાં તપાસ કરતાં કૌસ્તુભ ભાઈની ડિકમ્પોઝ થયેલી હાલતમાં દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. જે બાદ જાણ કરવામાં આવતા કારેલીબાગ પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે ડિકમ્પોઝ થયેલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડીને તપાસ હાથ ધરી હતી. ઘરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે ચિઠ્ઠી નથી મળી. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ કૌસ્તુભના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે

(9:33 PM IST)