<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

એસટીના કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને 14 લાખની સહાય અપાશે

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટીના કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો

અમદાવાદ :એસ.ટીના કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને 14 લાખની સહાય આપવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટીના કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સહાય પહેલા એસ.ટી નિગમમાં વિવિધ સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ -4ના નિયમિત કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલ નોકરીના સમયગાળાને ધ્યાનમાં લઈને રૂ.4/-લાખ, રૂ.5/-લાખ અને રૂ.6/-લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવતી હતી. આ સિવાય એસ.ટી નિગમના નિયુકત કરાયેલા પાંચ વર્ષિય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ-3 અને વર્ગ-4 ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂ.4 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવતી હતી.

રાજ્ય સરકારના આ નિર્ણયથી નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના તા.24 સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી દરમ્યાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને રૂ.14/-લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવાની રહેશે, આ ઉપરાંત વિવિધ કચેરીઓ ખાતે નિયુકત કરાયેલ પાંચ વર્ષિય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂ.14 લાખ ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવશે.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ અને પાંચ વર્ષની ફિક્સ કરારીય સેવામાં નિમણુંક પામેલ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન તા. 12 ઓક્ટોબર 2023 કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ -3અને વર્ગ- 4ના 153 કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 21 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. જેમાં જૂની યોજના પ્રમાણે 124 કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 5 કરોડ 32લાખની સહાય કરવામાં આવી છે અને બાકીની સહાય પણ ટુક સમયમાં આપવામાં આવશે

(11:21 PM IST)