<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th February 2025

વડોદરા હરણી બોટકાંડના મૃતકોને ચાર હપ્તામાં વળતરની રકમ ચુકવવા હાઇકોર્ટે કર્યો આદેશ

કોર્ટે કોટીયા પ્રોજેક્ટને ચાર હપ્તામાં મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર ચૂકવવા હુકમ કર્યો: 25 ટકાનો પહેલો હપ્તો 31મી માર્ચ સુધીમાં જિલ્લા કલેક્ટર સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો

વડોદરા : નાયબ કલેક્ટર દ્વારા હરણી બોટકાંડમાં મૃતકોના પરિવાર માટે વળતરની સહાય રાશીની જાહેરાત કરી હતી. સોમવારે કોર્ટમાં આ મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે કોટીયા પ્રોજેક્ટને ચાર હપ્તામાં મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. આ સાથે 25 ટકાનો પહેલો હપ્તો 31મી માર્ચ સુધીમાં જિલ્લા કલેક્ટર સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો છે. ત્યાર બાદ એક એક મહિનાના આંતરે ત્રણ હપ્તા જમા કરાવવાના રહેશે.

નાયબ કલેક્ટર દ્વારા સુનવણી કરીને હરણી બોટકાંડમાં મૃતકો અને ઈજાગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરી હતી. જેમાં મૃતક 12 બાળકોને રૂપિયા 31,75,700 (પ્રતિબાળક) આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મૃતક શિક્ષિકા પૈકી છાયા બેનને રૂપિયા 11,21,900 અને ફાલ્ગુની બેનને રૂ. 16,68,029 વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ સાથે બે ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારનું વળતર આપવા જણાવાયું હતું. જે મામલે સોમવારે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મહત્વનો આદેશ આપ્યો છે. જે અનુસાર, કોટીયા પ્રોજેક્ટને ચાર હપ્તામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાનું રહેશે. જેમાં એક હપ્તાની રકમ અંદાજે રૂ. એક કરોડ થાય છે.

કોર્ટે વધુમાં આદેશ કર્યો છે કે, પહેલા હપ્તા બાદના ત્રણ હપ્તા એક- એક મહિનાના આંતરે જમા કરાવવાના રહેશે. સંપૂર્ણ રકમ જમા થયા બાદ જિલ્લા કલેક્ટર મૃતકો અને ઈજાગ્રસ્તોને રકમ ચૂકવશે. દરમિયાન કોર્ટના અવલોકન અનુસાર, ભાગીદારોની આંતરિક તકરાર કોર્ટનો વિષય નથી મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ પ્રમાણે નક્કી કરવામાં આવેલું વળતર પ્રાથમિક રીકે સંપૂર્ણ વ્યાજબી હોવાનું હાઇકોર્ટે નોંધ્યું છે. વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે લેખિત હુકમ હજી આવ્યો નથી, પરંતુ હાઇકોર્ટ દ્વારા આ પ્રાથમિક આદેશ જારી કરાયો છે.

(11:37 PM IST)