<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ધો.૩થી ૮ની વાર્ષિક પરીક્ષા ૭ એપ્રિલથી શરૃ થશે

૭ એપ્રિલથી શરૃ થનારી પરીક્ષા ૨૫ એપ્રિલે સંપન્ન થશે :સૌપ્રથમ ધોરણ–૩થી ૫ની પરીક્ષા ૭ એપ્રિલથી ૧૫ એપ્રિલ દરમિયાન લેવામાં આવશે : ત્યારબાદ ૧૬ એપ્રિલથી ધોરણ–૬થી ૮ની પરીક્ષા શરૃ થશે અને ૨૫ એપ્રિલના રોજ પરીક્ષા પૂર્ણ થશે

અમદાવાદ, તા.૧૮: રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા ૭ એપ્રિલથી ૨૫ એપ્રિલ દરમિયાન યોજવામાં આવશે. પરીક્ષાને લઈને સમાન સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ ધોરણ–૩થી ૫ની પરીક્ષા ૭ એપ્રિલથી ૧૫ એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. ત્યારબાદ ૧૬ એપ્રિલથી ધોરણ–૬થી ૮ની પરીક્ષા શરૃ થશે અને ૨૫ એપ્રિલના રોજ પરીક્ષા પૂર્ણ થશે. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સમાન કસોટીપત્રોનો અમલ કરવામાં આવશે. જ્યારે ખાનગી સ્કૂલો ઈચ્છે તો સમાન કસોટીપત્રોનો ઉપયોગ કરી શકશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા ૭ એપ્રિલથી ૨૫ એપ્રિલ દરમિયાન યોજવાનો નિર્ણય કરાયો છે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક અનુસાર પરીક્ષાનું આયોજન કરવા માટે આદેશ કરાયો છે. ધોરણ–૩થી ૮ની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ધોરણવાર અને વિષયવાર પરિરૃપ રાજ્યકક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ)ને આપવામાં આવેલા છે. આ નિયત પરિરૃપ મુજબ ડાયેટ દ્વારા કસોટીપત્રો તૈયાર કરી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી–શાસનાધિકારીને સોંપવામાં આવશે. પરીક્ષામાં ધોરણ–૩થી ૮ના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી વેબસાઈટ પર ઉપલબ્ધ શૈક્ષણિક આયોજન અનુસાર નવેમ્બરથી માર્ચ મહિના સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે.

સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલા માળખા મુજબ શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે. બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ શાળા કક્ષાએથી નક્કી કરેલા સમયપત્રક મુજબ યોજી શકશે. સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોના સમાન કસોટીપત્રો સમાન સમયપત્રકના આધારે અમલી કરવાના રહેશે. ગ્રાન્ટેડ શાળાઓએ કસોટીપત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે. સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે નિયત કરેલી રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે.

જે શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં પણ તમામ ધોરણની તમામ વિષયોની પરીક્ષા આપેલા સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે. પરીક્ષા સમયપત્રકમાં દર્શાવેલ તારીખોમાં જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા જાહેર કરેલ હોય તો તે રજા રદ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા યોજવાની રહેશે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા તૈયાર કરાયેલા કસોટીપત્રોના છાપકામ, પેપરના પૂફ, ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રહેશે. ધો.૩–૪ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધોરણ–૫થી ૮ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે.

ચાલુ વર્ષથી પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ધોરણ–૩ અને ધોરણ–૪માં અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવેલો છે. તેનું મૂલ્યાંકન માળખું અન્ય વિષયની જેમ વાર્ષિક ૨૦૦ ગુણનું રહેશે. સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૃરી વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે. સત્રાંત પરીક્ષા અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે–તે શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે. પરીક્ષાના પરિણામની ઓનલાઈન ડેટાએન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા મારફતે અલગથી આપવામાં આવશે.

રાજ્યની દરેક સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ૨૦૧૯ના જાહેરનામાનો અમલ ફરજિયાત રીતે કરવાનો રહેશે અને તે મુજબ ધોરણ–૫ અને ધોરણ–૮ના બાળકોને પરીક્ષાના અંતે ઉપલા ધોરણમાં લઈ જવા અંગે કાર્યવાહી કરવાની રહેશે, જેનું દરેક શાળાએ ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પ્રવર્તમાન માળખા મુજબ ધોરણ–૫ અને ધોરણ–૮માં ચ્ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનું બે માસના સમયગાળામાં ઉપચારાત્મક શિક્ષણ કર્યા બાદ શાળા કક્ષાએ પુનઃ કસોટી યોજવાની રહેશે. પુનઃકસોટીમાં જે વિદ્યાર્થીઓ પોતાના ગ્રેડમાં અપેક્ષિત સુધારો કરી શકે તે વિદ્યાર્થીઓને જ વર્ગબઢતી આપવાની રહેશે. ધોરણ–૫ અને ધોરણ–૮ સિવાયના અન્ય ધોરણમાં (બાલવાટિકા સહિત) વિદ્યાર્થીને રોકી શકાશે નહીં.

ધોરણ–૩થી ૮ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ

તારીખ    ધોરણ       વિષય

૭ એપ્રિલ    ૩થી ૫    ગુજરાતી

૮ એપ્રિલ    ૩થી ૫    ગણિત

૯ એપ્રિલ    ૩થી ૫     પર્યાવરણ

૧૧ એપ્રિલ    ૩થી ૫   હિન્દી

૧૨ એપ્રિલ    ૩થી ૫    મરાઠી, ઉર્દુ, તેલુગુ

૧૫ એપ્રિલ    ૩થી ૫    અંગ્રેજી

૧૬ એપ્રિલ    ૬થી ૮    ગુજરાતી

૧૭ એપ્રિલ    ૬થી ૮    હિન્દી

૧૯ એપ્રિલ    ૬થી ૮    ગણિત

૨૧ એપ્રિલ    ૬થી ૮    વિજ્ઞાન

૨૨ એપ્રિલ    ૬થી ૮    અંગ્રેજી

૨૩ એપ્રિલ    ૬થી ૮    સામાજિક વિજ્ઞાન

૨૪ એપ્રિલ    ૬થી ૮    સંસ્કૃત

૨૫ એપ્રિલ    ૬થી ૮    મરાઠી, ઉર્દુ, તેલુગુ

(10:24 AM IST)