News of Tuesday, 18th February 2025
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ૨૦૫૪ બેઠકમાંથી ૧૯૨૨ બેઠકના પરિણામો જાહેર
૧૪૦૭ બેઠક પર ભાજપની જીતઃ કોંગ્રેસના ભાગે માત્ર ૨૮૯ બેઠક

અમદાવાદ, તા.૧૮: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આમ તો એકતરફી છે અને મોટેભાગે બધે જ ભગવો લહેરાયો છે, પરંતુ અમુક પાલિકા કે પંચાયતોએ ભાજપને ઝટકો આપ્યો છે. ૨૦૫૪ બેઠકમાંથી ૧૯૨૨ બેઠકના પરિણામો જાહેર થયા છે, જેમાંથી ૧૪૦૭ બેઠક પર ભાજપના સભ્યોની જીત નોંધાઈ ચૂકી છે જ્યારે કોંગ્રેસના ભાગે માત્ર ૨૮૯ બેઠક આવી છે અને ૨૨૬ બેઠક પર અન્ય પક્ષ કે અપક્ષનો વિજય થયો છે.
ભાજપની મોટેભાગ જીત થવા છતાં અમુક જગ્યાએ ભાજપે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સલાયામાં ભાજપ ખાતુ જ ખોલાવી ન શકયાનું જાણવા મળ્યું છે. અહીં ભાજપને એક પણ બેઠક પર જીત મળી નથી જ્યારે કોંગ્રસે ખાતું ખોલાવતા ૧૫ બેઠક હાંસલ કરી છે જ્યારે આમ આદમી પક્ષને પણ ૧૩ બેઠક અહીં મળી છે.
બીજી બાજુ પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં પણ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. અહીં રાણાવાવમાં સમાજવાદી પક્ષના વિધાનસભ્ય કાંધલ જાડેજાનો કરિશ્મા કામ કરી ગયો છે. સપાને અહીં ૨૮માંથી ૨૦ બેઠક મળી છે જ્યારે કુતિયાણામાં સપાને ૨૪માંથી ૧૪ બેઠક પર રસાકસી બાદ વિજય મળ્યો છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
