<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

વડોદરાના અકોટામાં નિવૃત પોલીસ કર્મચારીની પત્નીને હિપ્નોટાઈઝ કરીને સોનાના દાગીનાની લૂંટ

મહિલાને રસ્તામાં આંતરીને વશમાં કરી લેતા સોનાનું મંગળ સુત્ર અને બુટ્ટીઓ કાઢીને આપી દીધી: બંટી-બબલીની જોડી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા શહેરના નિવૃત્ત પોલીસ કર્મચારીના પત્ની જેતલપુર વિસ્તારમાં ચાલતા જઈ રહ્યા હતા, ત્યારે બંટી બબલીની જોડી સાથે તેમનો ભેટો થયો હતો. આ જોડીએ મહિલાને હિપ્નોટાઈઝ કર્યા બાદ સોનાનું મંગલસૂત્ર અને બુટ્ટી મળી 41 હજારની મતાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં મહાત્મા ગાંધી હાઇટ્સમાં રહેતા પ્રતિભાબેન વિઠ્ઠલભાઈ શિંદેએ ફરીયાદ નોંધાવી છે કે, તેઓના પતિ ગુજરાત એસ.આર.પી પોલીસમા એ.એસ.આઈ તરીકે નિવૃત થયેલા છે. 17 ફેબ્રુઆરીના રોજ સવારના અમારા મકાન ખાતેથી અમારી રિક્ષામાં બેસી જેતલપુર બ્રિજ નીચે મહાકાળી માતાના મંદિર પાસે આવેલી મારી નોકરી વાળી જગ્યાએ ચાલતા ચાલતા જતી હતી.

આ દરમ્યાન એક ઈસમ મારી પાસે આવ્યો હતો. જેણે હિન્દીમાં જણાવ્યું કે, મેં ઈન્દોર કા હું, મુજે રસ્તા પતા નહી ? મુજે રસ્તા દિખાઓ. તેમ જણાવતા હું તેને રેલ્વે સ્ટેશન જવાના રસ્તો બતાવવા લાગી હતી. આ દરમ્યાન એક સ્ત્રી તથા એક પુરૂષ આવી લારીની પાછળ જવાનુ કહેતા, મને શું થઈ ગયેલ કે હું તે બન્નેના કહ્યાં મુજબ કરવા લાગી હતી અને લારી પાછળ જતી રહેતા તેઓએ મને મારા ગળામાં પહેરલુ સોનાનું મંગળસુત્ર અને કાનમાં સોનાની બુટ્ટીઓ તેઓને વેચાણ આપી દેવા જાણવ્યું હતું

હું તેઓને વશીભૂત થઇ ગયેલી હોય તેમ તેઓના કહ્યા મુજબ મારા કાનમાની સોનાની બન્ને બુટ્ટીઓ અને સોનાનુ મંગળસુત્ર કાઢીને તેઓને આપી દીધું હતું. તેઓએ મારી પાસેની થેલીમાં પાર્સલ મુકીને પાર્સલમાં પૈસા છે તેમ જણાવી મને તેઓ સાથે લઈ નજીકમાં આવેલ મચ્છી માર્કેટ પાસે લઈ ગયા હતા અને ઓટલા ઉપર બેસવાનુ જણાવી બંને રેલ્વે સ્ટેશનનું સરનામું પૂછનાર વ્યક્તિને રેલ્વે સ્ટેશન છોડીને આવીએ છીએ તેમ જણાવી જતા રહયા હતા.

હું આશરે બે કલાક સુધી જેતલપુર બ્રિજ મચ્છી માર્કેટ પાસે બેસી, પરંતુ તેઓ પરત નહી આવતા થેલીમાં મૂકેલા પાર્સલમાં જોતા તેમાં રાખોડી રંગના કાપડમાં ચલણી નોટોની સાઈઝના કટ કરેલ કાગળ-પુઠાના ટુકડા હતા. આમ મહિલા અને પુરુષો નિવૃત્ત પોલીસ કર્મચારીની પત્નીને હિપનોટાઈઝ કરીને સોનાની બન્ને બુટ્ટીઓ અને સોનાનુ મંગળસુત્ર મળી રૂ. 41 હજાર ની મતાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. અકોટા પોલીસે બંનેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

(8:15 PM IST)