<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

ભાજપની તાનાશાહી છતાં AAPનું શાનદાર પ્રદર્શન: જિલ્લા પંચાયત અને મનપામાં મજબૂતીથી લડશું :ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ કહ્યું -આમ આદમી પાર્ટીએ 35થી વધુ મહત્વપૂર્ણ સીટ પર જીત હાસિલ કરી. ખૂબ ઓછા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. આમ છતાં આમ આદમી પાર્ટીને 15 ટકાની આસપાસ પરિણામ મળ્યું

અમદાવાદ :સ્થાનિક સ્વરાજની નગરપાલિકા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. આમ આદમી પાર્ટીએ અલગ અલગ નગરપાલિકાઓમાં 500થી વધુ સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા અને તેમાંથી લગભગ 35થી વધુ સીટો પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. એવામાં આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે.

ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપની તાનાશાહી છતાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના માટે હું પાર્ટીના હાઈ કમાન્ડથી માંડીને નાનામાં નાના કાર્યકરનો આભાર માનું છું. આમ આદમી પાર્ટી પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી, જેમાં બે નગર પાલિકામાં અમે વિપક્ષની ભૂમિકામાં આવી ગયા

 

જેમાં સલાયા નગર પાલિકામાં ટાઈ પડી છે. જ્યાં આમ આદમી પાર્ટી કરતાં કોંગ્રેસ માત્ર એક સીટ આગળ છે, જ્યારે ભાજપનું ખાતું પણ નથી ખુલ્યું. આ સિવાય કરજણ નગર પાલિકામાં પણ અમારું સારું પ્રદર્શન રહ્યું છે. આથી કરજણ અને સલાયા નગર પાલિકામાં અમારી પાર્ટી મજબૂતીથી વિપક્ષની ભૂમિકા ભજવશે.

કોઈ ફંડ ના હોવા છતાં આમ આદમી પાર્ટી પંચાયત અને નગર પાલિકાની મળીને 35 બેઠકો જીતી છે. અમે ખૂબ ઓછા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. આમ છતાં આમ આદમી પાર્ટીને 15 ટકાની આસપાસ પરિણામ મળ્યું છે. હવે આગામી વર્ષે આવી રહેલી જિલ્લા પંચાયત, તાલુકા અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં પણ અમારી પાર્ટી મજબૂતીથી લડશે.

ભાજપ પર આક્ષેપ કરતાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને રોકવા માટે ભાજપ દ્વારા અનેક ષડયંત્ર રચવામાં આવ્યા અને સામ-દામ દંડ ભેદની નીતિથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને બેસાડી દેવાની કોશિશ કરવામાં આવી હતી. ઘણી જગ્યાએ ખોટી રીતે ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા અને ડરાવવા ધમકાવવામાં પણ આવ્યા. આમ છતાં આમ આદમી પાર્ટીએ 35થી વધુ મહત્વપૂર્ણ સીટ પર જીત હાસિલ કરી. હવે આવનારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 8000થી વધુ ઉમેદવારોને ચૂંટણીમાં ઉતરશે.

 

(10:36 PM IST)