તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે અમદાવાદ-માળીયા કચ્છ રોડ સિક્સ લેન બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી
રોડના કામનો આગામી બજેટમાં સમાવેશ કરી જરૂરી બજેટ ફાળવવા ધારાસભ્ય હાર્દિક પટેલે ભલામણ સહ વિનંતી કરી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલે અમદાવાદ-માળીયા કચ્છ રોડ સિક્સ લેન બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે.
ધારાસભ્ય હાર્દિક પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, અમદાવાદ-માળીયા રોડ એ કચ્છનો પ્રવેશ દ્વાર હોવાથી અમદાવાદ-માળીયા-કચ્છ રોડ તરફ રાત-દિવસ ટ્રાફિકનો પ્રવાહ ચાલતો રહેતો હોય છે. આ ઉપરાંત વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક કલસ્ટર મોરબીમાં દેશ-વિદેશમાંથી અનેક વેપારીઓ, ઉદ્યોગકારો નિયમિત આવન-જાવન કરતાં હોય છે. તદઉપરાંત કચ્છમાં સોલ્ટ ઉદ્યોગ અને કંડલા બંદર આવેલ હોવાથી ઉદ્યોગકારો અને ભારે કન્ટેનરોની નિયમિત આવન-જાવન આ રોડ ઉપર થતી હોય છે. દેશ-વિદેશમાંથી અનેક વેપારીઓ, ઉદ્યોગકારો અમદાવાદ એરપોર્ટથી બાય રોડ વિરમગામ-માંડલ ઇન્વેસ્ટમેન્ટ ઝોન વિસ્તાર, મોરબી અને કચ્છ આવવા-જવા માટે આ હાઇવેનો ઉપયોગ કરતાં હોય છે, આથી આ હયાત ફોર લેન રોડને જો સિક્સ લેન બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનું સુખદ સમાધાન આવશે. આથી આ રોડને સિક્સ લેન કરવો જરૂરી છે.વધુમાં, વિરમગામ, માંડલ વિસ્તારમાં નેશનલ તથા મલ્ટી નેશનલ કંપની હોવાથી ટ્રાફિક વધુ જોવા મળે છે. તેમજ હળવદ શહેર વચ્ચે અમદાવાદ-કચ્છ હાઇવે પસાર થાય છે. સદર હાઇવે ઉપર સતત ભારે ટ્રાફિક રહે છે. જેના કારણે વૃધ્ધો, વિદ્યાર્થીઓ તથા રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તથા નાના-મોટા અકસ્માત થતાં રહે છે. આ ઉપરાંત સદર રોડ ઉપર ઉપરથી વિરમગામ એ.પી.એમ.સી. જવાય છે. અને રોડ પર હળવદ એ.પી.એમ.સી. હોવાથી આ હાઇવે ઉપર વાહનોની અવર-જવર સતત રહેતી હોય છે. જેથી ખેડુતમિત્રો તથા મજુરમિત્રો અવાર-નવાર અકસ્માતનો ભોગ બનવું પડે છે. આમ, ઉપરોક્ત રોડના બંને કામોને આગામી બજેટમાં સમાવેશ કરી આ કામો માટે જરૂરી બજેટ ફાળવવા મારી આપ સાહેબશ્રીને અંગત ભલામણ સહ વિનંતી કરૂ છુ. સહકારની અપેક્ષા સહ આભાર.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
