<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

સુરતના કતારગામ જૂની GIDC માં એમ્બ્રોઈડરી મશીનમાં ફસાઈને મોતને ભેટેલા યુવકની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ

સમલૈંગિક સબંધમાં રૂમ મેટ રજબઅલીએ મોતને ઘાટ ઉતાર્યો: અનૈતિક સબંધનો વીડિયો ડીલીટ ના કરતાં યુવકની હત્યા :મૃતકનો ફોન ફૂલ ચાર્જ હોવા છતાં સ્વિચ ઑફ મળતા તેમજ રજબઅલી વારંવાર તેનો ફોન માંગતા પોલીસને શંકા ગઈ હતી

સુરતના કતારગામ જૂની GIDC વિસ્તારમાં એમ્બ્રોડરી મશીનમાં ફસાઈ જતા યુવકનું મોત નીપજ્યું હતું, જે બનાવમાં ચોકાવનારો ખુલાસો થયો છે. જેમાં યુવકનું મોત મશીનમાં ફસાઈ જવાથી નહી, પણ તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. અનૈતિક સબંધનો વીડિયો ડીલીટ નહિ કરતા યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કતારગામ જૂની GIDC વિશ્વકર્મા કંપાઉન્ડમાં એમ્બ્રોડરીના જોબવર્કના ખાતામાં કામ કરતો કારીગર પરવેઝ આલમ અબ્દુલ કુદુસ અંસારી [24] ગત 8 ફ્રેબુઆરીના રોજ એમ્બ્રોડરી મશીનમાં ગળું દબાયેલી હાલતમાં મળી આવ્યો હતો, જેને હોસ્પિટલ લઇ જવાતા મૃત જાહેર કરાયો હતો. આ અંગે કતારગામ પોલીસે તે વખતે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

આ બનાવને લઈને પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે ગઈ હતી, ત્યારે મરણજનારની સાથે રહેતા છોકરાઓ પૈકી રજબઅલી પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડતો હતો. તેમજ બનાવવાળી જગ્યાએથી મૃતકનો સ્વીચઓફ હાલતમાં મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જે ફોન ચાલુ કરીને જોતા તેમાં 60 ટકા જેટલી બેટરી ચાર્જ હતી.

 

આ સિવાય રજબઅલી નામનો વ્યક્તિ વારંવાર મૃતકના મોબાઈલ ફોનની માંગણી કરતો હતો તેમજ એમ્બ્રોડરી મશીનમાં જે જગ્યાએ મૃતકનું માથું ફસાયું હતું, તેની નીચે તેમજ હાથની બાજુમાં તેને રોકવા માટેની સ્ટીલની પટ્ટી આવેલી હોય, ત્યાથી પણ મશીન બંધ થઇ શકતું હોવાની માહિતી પોલીસને મળી હતી.

આ દરમ્યાન પોલીસને રજબઅલીની વર્તણુંક શંકાસ્પદ લાગી હતી. જેથી બિહાર ભાગી ગયેલા રજબઅલી જ્ફીરૂદીન અંસારીની તપાસ માટે એક ટીમ ત્યાં ગઈ હતી અને ત્યાંથી તેને પૂછપરછ માટે સુરત લાવવામાં આવ્યો હતો અને ચોકાવનારો ખુલાસો થયો હતો

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી રજબઅલી જ્ફીરૂદીન અંસારી અને મૃતક બંને છેલ્લા ત્રણેક વર્ષથી સાથે જ રહેતા હતા. જેમાં મરણ જનારે તેના મોબાઈલ ફોનમાં આરોપી સાથે સમલૈગિંક શરીર સબંધ બાંધતા હોવાના વીડિયો ઉતર્યા હતા. જે વીડિયો આરોપી દ્વારા ડીલીટ કરવા માટે મરણ જનાર પરવેઝ આલમ અબ્દુલ કુદુસ અંસારીને અવાર નવાર કહેવા છતાં તેણે ડીલીટ નહતા કર્યા.

આથી આરોપીએ ગત 8 ફ્રેબુઆરી 2025ના રોજ પરવેઝ જે જગ્યાએ કામ કરતો હતો, ત્યાં જઈને તેને વીડિયો ડીલીટ કરવા માટે કીધું હતું, પરંતુ મૃતકે તેનો મોબાઈલ ફોન સંતાડી દીધો હતો. જે અંગે તેઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.જેમાં આરોપીએ તેની પાસે રહેલા ગમછા વડે પરવેઝ અંસારીનું ગળું દબાવી મોત નીપજાવ્યું હતું અને બાદમાં કોઈને શક વહેમ ના જાય તે માટે આરોપીએ એમ્બ્રોડરીના ખાતામાં મૃતકને ગોઠવી મશીનમાં આવી ગયો હોય તેવું ઉપજાવી કાઢવા માટે એમ્બ્રોડરીના મશીનમાં ગોઠવી ત્યાંથી નાસી ગયો હતો

આ બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ગત 8 ફ્રેબુઆરીના રોજ કતારગામ GIDC વિસ્તારમાં આ ઘટના બની હતી. શરુઆતમાં પોલીસે યુવકના મૃતદેહની પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત કતારગામ પોલીસની ટીમે સ્થળ તપાસ કરી ત્યારે થોડી શંકા ગઈ હતી, કેમ કે એમ્બ્રોડરી મશીનની અંદર યુવકની બોડી ફસાયેલી હતી અને ત્યા ઘણા બધા એવા સાધનો હતા કે જ્યાં ચાલતું મશીન રોકી શકાય એમ હતું.

જે બાદ પોલીસે ત્યાંથી એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો, જે સ્વીચ ઓફ હતો પરંતુ પોલીસે જયારે તે મોબાઈલ ઓન કર્યો ત્યારે પોલીસને એમાં જાણવા મળ્યું કે તેમાં 60 ટકા જેટલી બેટરી ચાર્જ હતી એટલે બેટરીના કારણે તે સ્વીચ ઓફ થયો હોવાની ઘટના જણાય ના હતી, પરંતુ તેને સ્વીચ ઓફ કરવામાં આવ્યો હોવાની શંકા ગયી હતી. 

આ ઉપરાંત મરણજનારની સાથેનો વ્યક્તિ રજબઅલી અવાર નવાર મોબાઈલ ફોનની માંગણી પોલીસ પાસે કરતો હતો. જેથી તેની વર્તણુંક હતી જેથી તેના પર શંકા ગયી હતી. આ ઉપરાંત મેડિકલ એવીડન્સ તરીકે કન્ફર્મ થયું હતું કે યુવકનું મોત મશીનમાં આવી જવાથી નહી પરંતુ શ્વાસ રૂંધાવાથી થયું છે. આ મામલે પોલીસે ઊંડાણપુર્વક તપાસ હાથ ધરી હતી અને શંકાસ્પદ વ્યક્તિ રજબઅલીની ભાળ મેળવવાની શરુઆત કરી હતી અને છેવટે તેને પકડી પાડ્યો હતો

પોલીસે જયારે તેની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે તેનો અને મરણજનાર પ્રવેઝ આલમ સાથે સમલૈગીક સબંધો હતા અને મૃતક પાસે એ લોકોના એ પ્રકારના વિડીયો પણ હતા અને આરોપીએ વારંવાર વિડીયો ડીલીટ કરવાનું કહેતો હતો પરંતુ મૃતક વિડીઓ ડીલીટ કરતો ના હતો જે બાબતે બંને વચ્ચે વિવાદ હતો અને છેવટે મોબાઈલમાંથી વિડીયો ડીલીટ કરવા બાબતે પ્રવેજ અંસારીની હત્યા કરી હતી અને બાદમાં અકસ્માત મોતમાં ખપાવવા માટે મશીનમાં આવી ગયો હોય એ પ્રકારનો સીન ક્રિએટ કર્યો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો. હાલ પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 

 

(8:09 PM IST)