<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગત બે વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના રહ્યા છે; રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગુજરાતે પાછલા ત્રણ વર્ષોમાં વિવિધ 12 પૉલિસીઓનો અસરકારક અમલ કરીને 'પૉલિસી ડ્રિવન સ્ટેટ' તરીકેની છબી વધુ મજબૂત કરી

'ગુજરાત' શબ્દ સાંભળતાં જ આપણા માનસપટ પર વિકાસનો નકશો ઊભરી આવે છે. ગુજરાતના ઇતિહાસમાં પાછલા અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણયુગ સ્વરૂપે લોકહૃદયમાં અંકિત છે. 15 મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રના મંગલ પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભા ગૃહને સંબોધતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના પાછલા બે વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના રહ્યા છે. વિકાસની તમામ યોજનાઓમાં GYAN - ગરીબ, યુવા, અન્નદાતા-ખેડૂત અને નારીશક્તિ કેન્દ્રસ્થાને રહ્યા છે. ગુજરાતે પાછલા ત્રણ વર્ષોમાં વિવિધ 12 પૉલિસીઓનો અસરકારક અમલ કરીને 'પૉલિસી ડ્રિવન સ્ટેટ' તરીકેની છબી વધુ મજબૂત કરી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વિકસિત ભારત’ માટે ‘વિકસિત ગુજરાત’ના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસિત ગુજરાત@૨૦૪૭ ડાયનેમિક ડોક્યુમેન્ટ- રોડમેપ તૈયાર કર્યો છે. 'અર્નિંગ વેલ' અને 'લિવિંગ વેલ' એમ બે મુખ્ય પિલ્લર પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોનું જીવનધોરણ સુગમ અને સર્વોત્તમ બનાવવાનાં અને તેમની સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આ લક્ષ્ય સુઆયોજિત અને સુવ્યવસ્થિત રીતે સિદ્ધ કરવા માટે તેમજ લાંબા ગાળાની નીતિ અને વ્યૂહરચના ઘડવા માટેની 'થિન્‍ક ટેન્‍ક' તરીકે ગુજરાત રાજ્ય દ્વારા ઈન્સ્ટિટ્યુશન કોર ટ્રાન્સ્ફોર્મેશન – ગ્રીટની સ્થાપના કરવામાં આવી છે.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રો-એક્ટિવ પૉલિસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડી રોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દેશ અને દુનિયાના રોકાણકારો માટે ‘ડેસ્ટિનેશન ઓફ ફર્સ્ટ ચોઈસ’ બન્યું છે. પૉલિસી ડ્રિવન અને સેક્ટર સ્પેસિફિક પૉલિસીઝ ધરાવતા સ્ટેટ તરીકે ગુજરાત દેશ-વિદેશના ઉદ્યોગકારો માટે ‘બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ’ બનવા પાછળ ગુજરાત સરકારના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા કાર્યક્રમોની શૃંખલાનો સિંહફાળો છે. છેલ્લા બે દાયકામાં ઔદ્યોગિક વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં કરેલી પ્રગતિના કારણે ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યું છે.

(11:33 PM IST)