<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd February 2025

દાહોદના રૂપારેલ ગામની સીમમાં ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાનો હુમલો

મહિલાને મોઢાના ભાગે ગંભીર ઈર્જાઓ પહોંચતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાઇ

દાહોદ જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો જંગલ વિસ્તાર ધરાવતા હોવાથી વન્ય પ્રાણીઓ દ્વારા અવારનવાર માનવજાત પર હિંસક હુમલા કરવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે. એવામાં જંગલ વિસ્તારમાં આવેલા દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામે ખેતરમાં કામ કરવા ગયેલ મહિલા પર ખુંખાર વન્ય પ્રાણી દીપડાએ હિંસક હુમલો કરતા મહિલાને મોઢાના ભાગે ગંભીર ઈર્જાઓ પહોંચતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રૂપારેલ ગામે પરિવાર સાથે રહેતા ટીનાબેન સર્જનભાઇ વડેલ (35) ગામની સીમમાં આવેલ મકાઈના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક શિકારની શોધમાં એક ખુંખાર દીપડો ખેતરમાં આવી ચડ્યો હતો અને ટીનાબેન કઈ સમજે તે પહેલા જ દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો.

દીપડાના હુમલાથી ટીનાબેને બૂમાબૂમ કરતાં આસપાસના ખેતરમાં કામ કરી રહેલા અન્ય લોકો દોડી આવ્યા હતા. જેમને જોઈને દીપડો ભાગી છૂટ્યો હતો. જે બાદ જોતા ટીનાબેનને મોંઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આથી તાત્કાલિક તેમને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ખુંખાર દીપડાએ ગામમાં આવી મહિલા પર હુમલો કરતા ગામમાં દહેશત ફેલાઈ ગઈ હતી સમગ્ર મામલાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટિમ ગામમાં દોડી આવી હતી અને ખુંખાર દીપડાને પકડવા પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી હતી

(12:29 AM IST)