<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ભારત-પાકિસ્‍તાન મેચ પર ગુજરાતમાં જ ૧૦૦૦ કરોડનો સટ્ટો રમાયાની શકયતા

મેચ શરૂ થઇ ત્‍યારથી ભારતની જીત પર કરોડો રૂપિયા લગાવાયા

અમદાવાદ,તા.૨૪: દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ મેચ રમાતી હોય પરંતુ તેના પર ગુજરાતમાં સટ્ટો તો રમાતો જ હોય છે. તેમાંય વળી ભારત-પાકિસ્‍તાન વચ્‍ચેની મેચ હોય તો દુનિયાભરના ક્રિકેટરસિયાની નજર આ મેચ પર હોય છે. દુનિયાભરના સટોડિયા મેચ પર સટ્ટો રમાડતા હોય છે. ભારત- પકિસ્‍તાન વચ્‍ચેની મેચ પર માત્ર ગુજરાતમાં જ એક હજાર કરોડનો સટ્ટો રમાયો હોવાનું સૂત્રોએ જણાવ્‍યું હતું.

ગુજરાતમાં ભારત પાકિસ્‍તાન પર મેચ પર સટ્ટો રમતા અને રમાડતા બૂકીઓ અને સટોડિયાઓને ઝડપી લેવા પોલીસ એલર્ટ રહી હતી. ગુજરાતના મોટા બૂકીઓ લાંબા સમયથી દુબઈ સેટ ગયા છે અને દુબઇથી તેમનું સટ્ટાનું નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે. બે દિવસ પહેલાં જ સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદ નરોડામાંથી એક બૂકીને ઝડપી લેવાયો હતો. જે ઓનલાઈન સટ્ટો રમાડતો હતો. તપાસ દરમિયાન સટ્ટા માટેની (ભારતમાં પ્રતિબંધિત) એપ્‍લિકેશન માટેનું માસ્‍ટર આઇડી દુબઈમાં બેઠેલા મોટા બૂકીઓ આર.આર,.ટોમી ઊંઝા અને બૂટલેગરમાંથી બૂકી બનેલા વિનોદ સિંધીની ગેંગ દ્વારા અપાયું હતું. આ કેસમાં ૧૬ લોકોની સંડોવણી સામે આવી રહી છે.

તાજેતરમાં જ અમદાવાદમાં રમાયેલી ભારત-ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચેની મેચમાં બૂકીઓ સ્‍ટેડિયમમાં બેસીને જ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. તેમને પોલીસે ઝડપી લીધા હતા.(૪૦.૪)

સટ્ટાની હારજીતની રકમનો બીજા જ દિવસે હિસાબ કરી દેવાય છે, આંગડિયા મારફતે હવાલા પડાય છે

બૂકીઓનું ગુજરાતના નાનામાં નાના ગામડા સુધી નેટવર્ક સેટ થઇ ગયું છે. અમદાવાદ, સુરત, વડાદરા અને રાજકોટ તથા બૂકીઓના હબ એવા ઉંઝા, પાલનપુર, ડીસામાં માસ્‍ટર આઇડી આપીને ઓનલાઇ સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. દુબઇમાં રમાઇ રહેલી ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની દરેક મેચ પર ગુજરાતમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાઇ રહ્યો છે. ત્‍યારે જ ભારત પાકિસ્‍તાનની મેચ પર ગુજરાતમાં એક હજાર કરોડનો સટ્ટો રમાયો હતો. દરેક મેચ પરના સટ્ટામાં જે રૂપિયાની હારજીત થાય તેનો હિસાબ કરીને બીજા જ દિવસે ચોક્કસ આંગડિયા પેઢી મારફતે હવાલા પણ પાડી દેવામાં આવતા હોય છે.

(10:18 AM IST)