News of Monday, 24th February 2025
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે કાર ચાલકે બે બાઈકને અડફેટે લેતા સગા ભાઈ-બહેન સહિત 3 લોકોના મોત
બાઇકને અડફેટે લીધા બાદ કાર પલટી મારીને ડિવાઈડર સાથે અથડાઈ

સુરતના લસકાણા ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. એક કાર ચાલકે બે બાઈકબે અડફેટે લીધી હતી જેમાં સગા ભાઈ બહેન સહિત ૩ લોકોના મોત નીપજ્યા છે. અકસ્માતમાં કાર પણ પલટી થઇ ગઇ હતી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરતના કામરેજના નનસાડ રોડ પાસે રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખબાઈ ગજેરા અને તેની બહેન શોભનાબેન ગતરોજ બાઇક પર કામ અર્થે નીકળ્યા હતા. તે સમયે લસકાણા પોલીસ ચોકીના ચાર રસ્તા પાસે બેકાબુ બનેલી કારના ચાલેક તેમની બાઇકને ટક્કર મારી હતી. તેમજ પુણા ગામ માતૃ શક્તિ સોસાયટી પાસે રહેતા અન્ય બાઈક ચાલક મહેશભાઈ નાનજીભાઈ લાઠિયાની બાઈકને પણ અડફેટે લીધી હતી.
બાદમાં કાર પલટી મારીને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા રાજેશભાઈ અને મહેશભાઈને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે વારાફરતી બંનેને મૃત જાહેર કર્યા હતા. જયારે રાજેશભાઈની બહેનને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું પણ આજે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
કાર ચાલક અકાઉન્ટન્ટની નોકરી કરતો અર્જુન વિરાણીને લોકોએ કારમાંથી બહાર કાઢીને પોલીસે સોપ્યો હતો. આ અંગે લસકાણા પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મૃતક રાજેશભાઈ મૂળ અમરેલીના સાંવરકુડલાના વતની હતા. તે તેની બહેન શોભના સાથે કામરેજથી મોટા વરાછા જતા હતા.
તે સમયે અકસ્માત થયો હતો. રાજેશભાઈને એક ભાઈ અને એક બહેન છે. તે ડાયમંડ નગર ખાતે જોબવર્કનું કામ કરતા હતા. જ્યારે મૃતક મહેશભાઈ લાઠીયા મૂળ ભાવનગરના બગદાણાના વતની હતા અને ગતરોજ તેઓ લસકાણા ડાયમંડ નગર ખાતે ખાતામાંથી બાઇક પર ઘરે જતા હતા. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેમના મોતને પગલે 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
