<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ખાનગી હોસ્‍પિટલના બનેલ વિડીયોકાંડ બાદ પોલીસે તુરંત પગલા લીધાઃ દેશમાં એન્‍ટી બુલીંગ યુનિટની રચના કરવામાં ગુજરાત પ્રથમ

વિધાનસભામાં કોંગ્રેસે પુછેલા પ્રશ્‍નોનો મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલનો જવાબ

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર,તા.૨૪: વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્‍યની બાબત પર મુખ્‍યમંત્રીશ્રી (ગૃહ)ને સભ્‍યશ્રી અમીત ચાવડા, શૈલેષ પરમાર, કિરીટકુમાર પટેલ અને તુષાર ચૌધરી એ પ્રશ્‍ન પુછતા જણાવેલ કે ‘‘તાજેતરમાં રાજકોટની એક ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સી.સી.ટી.વી. ફૂટેજના વીડીયો યુટયુબ અને ટેલીગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવ્‍યા છે. ત્‍યારે દર્દીઓની ગુપ્તતા જળવાતી નથી અને હજારો લોકોએ આ વિડીયો જોયો છે. અને આવા વિડીયો આપનાર અને વાયરલ કરતી ચેનલો તેમજ પ્રાઇવસીનો ભંગ કરતી હોસ્‍પીટલો સામે રાજ્‍ય સરકારે શું પગલા લીધા છે.

જેના જવાબમાં મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે જણાવેલ કે પ્રસ્‍તુત બાબતે અમદાવાદ શહેરની સોશિયલ મિડીયા મોનિટરીંગ સેલ ટીમ દ્વારા તા.૧૭/૦૨/૨૦૨૫ના રોજ સોશિયલ મિડીયામાં યુ-ટયુબ ચેનલ પર હોસ્‍પિટલના ચેક-અપ રૂમના મહિલા દર્દીની સારવારના વિડીયો અપલોડ કરેલ હોવાનું ધ્‍યાને આવતા અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન દ્વારા ધી.આઇ.ટી એક્‍ટની કલમ-૬૬ (ઇ) ૬૯ હેઠળ ગુ.હ.નં.૧૧૧૯૧૦૬૭૨૫૦૦૩૪થી ગુનો દાખલ કરવામાં આવેલ છે.

આ ગુનાને ગંભીરતાથી લઇ સી.સી.ટી.વી. તથા સોશિયલ મિડીયાના ફુટેજ એનાલીસીસ કરતાં આ સી.સી.ટી.વી. ફુટેજ પાયલ મેટરનીટી હોમ, રાજકોટના હોવાનું ધ્‍યાને આવેલ. તેમજ યુ-ટયુબ તથા ટેલીગ્રામ ચેનલના ક્રિએટર ગુજરાત રાજ્‍ય બહારના હોવાનું જાણવા મળેલ. જે અન્‍વયે બે અલગ-અલગ ટીમ મહારાષ્‍ટ્ર રાજ્‍યના લાતુર જિલ્લાના સાંગલી ખાતે તથા ઉત્તર પ્રદેશ રાજ્‍યના પ્રયાગરાજ જિલ્લાના ભીંસ ખાતે તપાસ માટે તાત્‍કાલીક રવાના કરવામાં આવી હતી.

તપાસ માટે રવાના થયેલ પોલીસની બન્ને ટીમો દ્વારા ૧૩૦૦ કિ.મી. અંતર કાપી કુલ-૦૩ સંદિગ્‍ધ ઇસમો. જેમાં મહારાષ્‍ટ્રમાંથી બે અને ઉત્તર પ્રદેશમાંથી એકને ફક્‍ત ૩૬ કલાકમાં પકડી પાડેલ છે.

પ્રાથમિક પૂછપરછ કરતાં આ ત્રણેય ઇસમો હેકર્સ દ્વારા અલગ - અલગ રાજ્‍યની હોસ્‍પિટલો તથા અન્‍ય જાહેર જગ્‍યાના સી.સી.ટી.વી. કેમેરા હેક કરી આવા યુઝર આઇ.ડી પાસવર્ડ પોતાના આર્થિક ફાયદા માટે વેચતા હોવાનું જાણવા મળેલ છે.

હાલમાં આ ગુનાની વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન, અમદાવાદ શહેર દ્વારા કરવામાં આવી રહેલ છે. એને તપાસ દરમિયાન નો IT Act, Section 66F(2) નો ઉમેરો કરવામાં આવેલ છે.

આ પ્રકારની ઘટનાઓ બને ત્‍યારે તેને અટકાવવા સરકાર દ્વારા આ મુજબના પ્રયત્‍નો કરાવામાં આવે છે. જેમ કે, સ્‍ટેટ સાયબર ક્રાઇમ સેલ સમગ્ર રાજ્‍યમાં બનતી સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ સંબંધે નોડલ એજન્‍સી તરીકે સુપરવિઝન કરે છે, સ્‍ટેટ સાયબર ક્રાઇમ સેલના પ્રિવેન્‍શન યુનિટ ખાતે સતત અને સઘન સાયબર પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમજ સોશિયલ મિડીયા પ્‍લેટફોર્મ પર વાંધાજનક પોસ્‍ટ અને વિડીયો શોધી તેને સંલગ્ન સોશિયલ મિડીયા પ્‍લેટફોર્મ ઉપરથી તે વાંધાજનક પોસ્‍ટ અને વિડીયો દૂર કરવાની કામાગીરી કરવામાં આવે છે, એન્‍ટી બુલીંગ યુનિટ દ્વારા સોશિયલ મિડીયા હેરેસમેન્‍ટ સંદર્ભે નોંધાયેલ ફરિયાદોમાં ભોગ બનનારાઓનું સાયકોલોજીસ્‍ટ દ્વારા કાઉન્‍સેલિંગ કરવામાં આવે છે. જેમાં આજ સુધી ૬૦ થી વધારે નાગરિકોને આત્‍મહત્‍યા કરતાં બચાવવામાં આવેલ છે, સમગ્ર દેશમાં એન્‍ટી બુલીંગ યુનિટની રચના કરનાર ગુજરાત રાજ્‍ય પ્રથમ ક્રમાંકે છે, રાજ્‍યમાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓને અટકાવવા તેમજ આવા ગુનાઓના ત્‍વરીત ઉકેલ લાવી શકાય તે માટે સાયબર સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સ પ્રોજેક્‍ટ અંતર્ગત રાજ્‍યના સાયબર ક્રાઇમ સેલ ખાતે વધારાનો મેન પાવર તેમજ અતયધુનિક ફોરેન્‍સિક ટૂલ્‍સ ફાળવવાનું આયોજન છે. રાજ્‍યમાં સાયબર ક્રાઇમના ગુનાઓ પર નિયંત્રણ મેળવવા તેમજ અસરકારરક પરિણામ મેળવવા માટે રાજ્‍ય પોલીસ દળમાં કાર્યરત ટેકનિકલ કૌશલ્‍ય ધરાવતા અને આ વિષય વસ્‍તુ પરત્‍વે રુચિ ધરાવતા કર્મચારીઓના કૌશલ્‍યની ચકાસણી કરી તેમન તેઓને જરૂરી તાલીમ આપી તેઓને ‘‘સાયબર કોમાન્‍ડો'' તરીકે તૈયાર કરવાનું રાજ્‍ય સરકારનું આયોજન છે. માત્ર પોલીસ સ્‍ટેશન ખાતે મળતી ફરીયાદો જ નહીં, પરંતુ ભારત સરકાર દ્વારા સંચાલિત નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ ( NCCRP) પર સાયબર ક્રાઇમનો ભોગ બનનાર કોઇ પણ નાગરિકોની ઓનલાઇન ફરિયાદો પર પણ સ્‍ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

(4:38 PM IST)