તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકાર અને PMJAY-મા યોજના પર અકબંધ છે : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
ખ્યાતિ હોસ્પિટલની ઘટનાના કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાઇ :મંત્રી ઋષિકેશ પટેલ: તમામ આરોપીની ઘરપકડ કરીને સમયસર ચાર્જશીટ કરવામાં આવી : કાર્તિક પટેલ વિરૂધ્ધની પુરવણી ચાર્જશીટ પણ ટુંક સમયમાં કરાશે: ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત કોઇ તબીબ પર સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનો કદાચિત ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો

અમદાવાદ : ખ્યાતિ ઘટના પહેલા PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ રાજ્યમાં કુલ ૫૨ હોસ્પિટલ અને ૦૩ ડૉકટર તેમજ ઘટના બાદ ૨૨ હોસ્પિટલ અને ૦૬ ડૉકટર્સ મળીને કુલ ૭૪ હોસ્પિટલ અને ૦૯ ડૉકટર્સ સસ્પેન્ડ કરાયા કરાય છે,હાલ ૨૮ હોસ્પિટલ સસ્પેન્ડછે. અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૯.૯ કરોડની પેનલ્ટી લગાવવામાં આવી છે. એન્જીયોગ્રાફી સહિતની વિવિધ પ્રોસીઝરમાં ફરજીયાત વીડિયો કન્સેન્ટ(સંમતિ) લેવાની જોગવાઇ કરાઇ છે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવા CDHOની પરવાનગી અને સરકારી પ્રતિનિધિની હાજરી સુનિશ્ચિત કરાઇ છે. સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ને વધુ સુદ્રઢ કરીને છેતરપિંડીના બનાવો અટકાવવા માટે સરકારી તેમજ GMERS મેડિકલ કૉલેજમાંથી ૪૩ ટીમનું ગઠન કરાયુ છે
CDHO/MOH દ્વારા મહિનામાં ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની જોગવાઇ કરાઇ છે તેમજ કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, નિઓનેટલ કેર અને TKR/THR (ની અને હીપ રીપલેસમેન્ટ) માટે નવીન SOP લાગુ કરાઇ છે
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા, અને હોસ્પિટલમાં ગેરરિતી આચરતા લોકોને સરકાર ક્યારેય સાંખી લેશે નહીં. આવા લોકો સામે સરકારે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે અને આગળ પણ ધરશે.
તાજેતરમાં અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે ગુજરાત વિધાનસભામાં આજે પુછાયેલ પ્રશ્નોતરીના જવાબમાં આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના અમાનવીય છે. હોસ્પિટલમાં સંકળાયેલા તબીબો, સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવેલ અમાનવીય કૃત્ય બદલ તેમની સામે સરકારે પ્રથમ ફરિયાદી બનીને સખ્તમાં સખ્ત કાર્યવાહી અને સજા થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત આ તમામ ગુનેગારો વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધ, ખોટા દસ્તાવેજ ઉભા કરવા , છેતરપીંડી સહિતની કલમો લગાવામાં આવી છે.
સરકારે નિયત સમયમાં ચાર્જશીટ ફાઇલ કરીને તમામ ગુન્હેગારોને જલ્દી સજા મળે અને રાજ્યમાં અન્ય લોકો આ પ્રકારનું કૃત્ય કરતા ચેતે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ. ટુંક સમયમાં હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ વિરૃધ્ધ પણ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે પ્રશ્નોતરી કાળમાં શરૂઆતના મુખ્ય ૨૦ પ્રશ્નોમાંથી લગભગ સાત જેટલા પ્રશ્નો ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના અને PMJAY-મા યોજના સંદર્ભે હતા .જે તમામના જવાબ આપવા અને ગૃહમાં ઉપસ્થિત તમામ લોકોને તમામ જરૂરી અને મહત્વની માહિતીથી માહિતગાર કરાવવા આરોગ્ય મંત્રીશ્રીએ પૂરેપૂરી તૈયારી દાખવી હતી
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
